માણાવદર નજીક અકસ્માતમાં બાઇક ઢસડાતા માતા-પુત્રના મોત

માણાવદર પાસે મોડી રાત્રે સર્જાયેલા એક અકસ્માતમાં બાઇક ઢસડાતા માતા-પુત્રનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્માત અંગે પ્રાપ્ત વિગતો મુજબ માણાવદર તાલુકાના ગળવાવ નજીક મોડી રાત્રે જી.જે. ૧૧-એઇ-૩ર૪૯ નંબરની મોટર સાયકલને એક અજાણ્યા ટ્રકે જોરદાર ટક્કર મારીને હડફેટમાં લીધી હતી. જેના કારણે બાઇક પર સવાર એક મહીલા અને યુવાન જમીન પર પટકાયા હતા અને તેના શરીર પરથી વાહનના વ્હીલ ફરી વળતા બંન્નેના ઘટના સ્થળે મૃત્યુ નિપજયા હતા.

જમીન પર ઢસડાવાને કારણે મોટર સાયકલ સળગી ઉઠયું હતુ઼. આ અંગેની જાણ થતા ૧૦૮માં બંન્ને મૃતકને માણાવદર સરકારી હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

દરમ્યાન પ્રાપ્ત વિગતો પ્રમાણે મૃતક મહિલા માણાવદરના વાદીવાસમાં રહેતા દેવુબેન જીકાભાઇ ગોહીલ (ઉ.વ.પ૦) અને તેનો પુત્ર સંજય (ઉ.વ.૩પ) હોવાનું ખુલ્યું હતું. માતા-પુત્ર કતકપરા ગામેથી બાઇક ઉપર પરત આવી રહયા હતા ત્યારે બંન્ને અકસ્માતનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ વાહન ચાલક નાસી ગયો હતો. પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.