લોક સુખાકારી – લોક કલ્યાણ અર્થે રાજ્ય સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસનો યજ્ઞ આરંભ્યો છે- મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

  ધ્રાંગધ્રા શહેરના સર્વાંગી વિકાસ માટે અંદાજિત રૂપિયા ૨૩૩૮ લાખના ખર્ચે હાથ ધરાયેલા વિકાસ કામોનો ખાતમુહુર્ત – લોકાર્પણ રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે અને સ્વર્ણીમ ગુજરાત પ૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતુ કે, સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ધ્રાંગધ્રા ખાતે અંદાજિત રૂપિયા ૧૬૦૦ લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કારણે આવનારા દિવસોમાં આ વિસ્તારના ગંદા પાણીના રીયુઝની સાથે આસપાસના ખેડૂતો તેમજ ઉદ્યોગો માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ બનશે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની આગામી ૪ વર્ષ સુધી એજન્સી દ્વારા મરામત – નિભાવણી કરવામાં આવશે ત્યારબાદ આ પ્લાન્ટ ધ્રાંગધ્રા નગરપાલિકાને સોંપવામાં આવશે. મંત્રીશ્રીએ ધ્રાંગધ્રા શહેરના વિકાસ માટે હાથ ધરાયેલ કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે લોક સુખાકારી – લોક કલ્યાણ અર્થે ગુજરાત સર્વાંગી વિકાસનો યજ્ઞ આરંભ્યો છે. જેમાં ધ્રાંગધ્રા શહેર પણ સહભાગી બન્યું છે. ધ્રાંગધ્રા શહેરના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓની સાથે અધિકારી – પદાધિકારીઓની ટીમ વર્કની ભાવના સાથે લોકકલ્યાણનું ખૂબ સારૂં કાર્ય થઈ રહયું છે. આ પ્રસંગે સ્વર્ણીમ ગુજરાત પ૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતુ કે, શહેરોના સર્વાંગી વિકાસ માટે ૨૦૦૧ થી ગુજરાતમાં આગવી દિશા સાથેનું કાર્ય હાથ ધરાયું છે. આ માટે રાજ્ય સરકારે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ શહેરોનો સુવ્યવસ્થિત વિકાસ થાય તેને અગ્રતા આપી છે. કાર્યવાહક અધ્યક્ષશ્રીએ ગુજરાતના ઘર વિહોણા પ્રત્યેક વ્યક્તિના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય અને ગુજરાત ઝૂપડપટ્ટી મૂક્ત બને તે માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા આવાસોના નિર્માણ થકી જરૂરીયાતમંદ તમામ લોકો માટે આવાસ સુવિધા ઉપલબ્ધ બનાવવાની નેમ સાથે કાર્ય કરવામાં આવી રહયું છે. આવાસ વિહોણા લોકોને આવાસ રૂપી છત્ર પુરૂ પાડી સરકાર શહેરોને ઝુપડપટ્ટી મૂક્ત બનાવવા કટીબધ્ધ છે. ગુજરાતમાં શહેરોની કાયાપલટ માટે હાથ ધરાયેલા કાર્યોનો ઉલ્લેખ કરતાં કાર્યવાહક અધ્યક્ષશ્રી જાડેજાએ ઉમેર્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના શહેરો વિશ્વના વિકસીત શહેરોની બરોબરી કરી શકે તેવા બનાવવાની નેમ સાથે કાર્ય હાથ ધર્યું હતુ. તેને વર્તમાન મુખ્યમંત્રીશ્રીએ આગવી કુનેહ સાથે આગળ ધપાવ્યું છે. જેના પરિણામે આજે ગુજરાતના શહેરો સંતુલીત વિકાસની સાથે સર્વાંગીણ વિકાસની દિશામાં ઝડપભેર આગળ વધી રહયાં છે. તેમણે આ તકે ધ્રાંગધ્રા શહેરમાં લોકસુખાકારી માટે હાથ ધરાયેલ વિવિધ વિકાસ કાર્યોના કારણે આ શહેર આજે અન્ય વિકસીત શહેરોની સાથે વિકાસની દિશામાં મક્કમતા સાથે આગળ વધી રહયાનું જણાવી આગામી દિવસોમાં ધ્રાંગધ્રા શહેરના તળાવના બ્યુટીફિકેશન માટેનું કાર્ય પણ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતુ. આ પ્રસંગે મંત્રીશ્રી તથા કાર્યવાહક અધ્યક્ષશ્રીના હસ્તે આઈ.એચ.એસ.ડી.પી. યોજના અંતર્ગત નિર્માણ પામેલ આવાસોનું લોકાર્પણ કરી તેના ડ્રો દ્વારા લાભાર્થીઓને આવાસ ફાળવણી કરવામાં આવ્યા હતા. જેના પ્રતિકાત્મક આવાસ ફાળવણીના હુકમો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ તકે ધ્રાંગધ્રા ખાતે અંદાજિત રૂપિયા ૨૦૦૧ લાખના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂપિયા ૩૩૭ લાખના ખર્ચે નિર્માણ પામનાર વિકાસ કામોનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી પરસોત્તમ સાબરીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ. પ્રારંભમાં ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખએ સ્વાગત તેમજ અંતમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી પટેલે આભાર વિધી કરી હતી. ધ્રાંગધ્રા આર્ય સમાજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી એસ. કે. હુડા, પ્રાંત અધિકારીશ્રી ભાવેશ દવે, રાજ્ય સભાના પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ, અગ્રણીઓ સર્વશ્રી કિરીટસિંહ જાડેજા, ધીરુભા પઢિયાર, ગાયત્રીબા રાણા, રફિક ચૌહાણ, સંજયભાઈ ગોવાણી, રમેશભાઈ કણઝરીયા, મહેશભાઈ ટાંક સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.