શ્રીનગરમાં પોલીસ ટીમ ઉપર આતંકી હુમલો: બે જવાન શહિદ

d46f3fd764c43bd1d10970d584a0b205727fbe07fcfecc01ea7486dc72b6600f

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના બાગત બારઝુલ્લા વિસ્તારમાં આતંકીઓએ ધોળે દિવસે પોલીસ ટીમ ઉપર આતંકી હુમલો કરી દેતાં બે જવાન શહિદ થઈ ગયા છે. જો કે હજુ આ અંગે કોઈ પ્રકારની સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે અને એક શંકાસ્પદને પણ પકડી લીધો છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ અત્યારે પોલીસને મળી આવતાં તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક આતંકી એકે-47 લઈને બજારમાં ઘૂસ્યો અને ત્યાં ઉભેલા પોલીસ કર્મી ઉપર પાછળથી ધાણીફૂટ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી તે ત્યાંથી ભાગી ગયો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ટીઆરએફે લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

શ્રીનગરમાં આજે બપોરે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં પોલીસના બે જવાન ઘાયલ થયા હતા જેમને તુરંત નજીકની હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન બન્નેના મોત નિપજ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 72 કલાકની અંદર આતંકીઓએ શ્રીનગરમાં બીજી વખત હુમલો કર્યો છે. આ પહેલાં વિદેશી રાજદૂતોના જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસના પહેલાં દિવસે શહેરના સોનવાર ક્ષેત્રમાં હુમલો કર્યો હતો. સોનવારમાં થયેલા હુમલામાં કૃષ્ણા ઢાબાનો એક કર્મચારી ઘાયલ થયો હતો.

ઘટનાસ્થળથી એક કિલોમીટર દૂર વિદેશી પ્રતિનિધિમંડળ એક હોટેલમાં રોકાયું હતું. આ હુમલાની જવાબદારી મુસ્લિમ જાંબાઝ ફોર્સે લીધી હતી. કાશ્મીરમાંથી કલમ-370 હટાવયા બાદ સુધરી રહેલી સ્થિતિ આતંકીઓને માફક આવી રહી નથી જેથી તેઓ વારંવાર હુમલાઓને અંજામ આપી રહ્યા છે.