ઘર કી પહેચાન બેટીઓ કે નામ….. કચ્છના મોટા અંગીયા, નિરોણા, મસ્કા, કુકમા, કુનરિયા અને સિનુગ્રા …………ગામે
સરપંચ ઈકબાલભાઇના ઘરની પૃચ્છા કરતા મોટા અંગિયા ગામે અમે પહોંચ્યા અને ઉમરલાયક ભા બોલ્યો, કેં જે ઘરને વનનો આય ? ! (કોના ઘરે જવું છે) અમે કહ્યુ ,રૂબીના બકાલી અને ભા એ આંખોમાં ચમક ભરી ઈશારો કર્યો અને એક ઘરનો દરવાજો અમને આવકારતો હતો. ઘરના મોટા દરવાજા પર નેઈમ પ્લેટ પર લખેલું હતું રૂબીના બકાલી…. બેટી બચાવો બેટી ભણાવો. મોટા અંગિયા…. ઘર કી પહેચાન બેટીઓ કે નામ……જોઇ મન હરખાઇ જાય
દિકરી બે ઘરનો દીવો અને ત્રણ ઘર અજવાળે… આ માત્ર સુંવાળા શબ્દો જ નથી પણ ગ્રામ્ય સ્તરે ઉભરેલી વાસ્તવિકતા છે……….. આપણે કોઇના ઘરનું સરનામું પુછીએ તો એમ બોલતા હોઇએ છીએ કે આ ભાઈ કે ફલા ભાઇનું ઘર કયાં આવ્યું……… અથવા એમના વ્યવસાયને સાંકળી ભાઇનું નામ પુછી ઘર શોધીએ……….
મોટા ભાગે બધે એવું જ હોય છે પણ હવે સમાજની તાસીર બદલાઇ રહી છે જેનું એક ઉદાહરણ છે કચ્છના નખત્રાણા તાલુકાનું મોટા અંગીયા ગામ.
બીજા ફળિયામાં અમે ગયા પંદર વરસની નીષા સોનીના ઘરે, હા, પિતા અને પરિવાર દિકરીને ગૌરવ ગણી પોતાના ઘરને દિકરીનું નામ આપે છે.
કચ્છ જીલ્લામાં નખત્રાણા તાલુકાના મોટા અંગિયા અને નિરોણામાં હાલે ૧૫૦ જેટલા ઘરોના નામ દિકરીઓના નામ પર પરિવારે સહર્ષ સ્વીકાર્યા છે. જયારે મસ્કા, કુનરીયા અને કુકમા ગામ દિકરીઓના નામે ઘર ઉત્સવ કરવા થનગની રહયા છે એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવે જણાવે છે વધુમાં તે કહે છે પ્રાથમિક તબકકે બે માસથી પ્રારંભ કરેલ બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહની ઉજવણી અંતર્ગત જાન્યુઆરીમાં મહિલા શકિત કેન્દ્ર દ્વારા નખત્રાણાના નિરોણા અને મોટા અંગીયા ગામે આ કાર્યક્રમ લોકોના સહર્ષ સ્વીકાર સાથે કર્યો છે.
મોટા અંગીયાના સરપંચશ્રી ઈકબાલભાઇની આગેવાની હેઠળ અને નખત્રાણા પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરાની આગેવાની હેઠળ ગામની દિકરીઓ તેમજ તેમના માતાપિતાના હસ્તે તેમના ઘરની ઓળખ દિકરીના નામ પર થાય તે માટે તેમના હાથે જ ઘરની નેઇમ પ્લેટ દિકરીઓના નામે લગાવવામાં આવી હતી.
જેમ જેમ જાગૃત નાગરિકો આ વિશે માહિતગાર થાય છે તેમ તેઓ પણ વ્હાલી દિકરી સાર્થક કરતાં પોતાના ઘરને દીકરીનું નામ આપવા ઉમળકો બતાવે છે.
માંડવી તાલુકાનું મસ્કા અને ભુજ તાલુકાના કુકમા અને ખાવડાનો ડુમાળો વિસ્તાર તેમજ અંજાર તાલુકાના સિનુગ્રાના લોકો આ પ્રત્યે ઉત્સાહ બતાવ્યો છે. જેથી આગામી ૮મી માર્ચે અમે મસ્કા અને સિનુગ્રા ગામે “ઘરકી પહેચાન બેટીઓ કે નામ ઉજવવાના છીએ” એમ શ્રી અવનીબેન જણાવે છે.
તેઓ વધુમાં ઉમેરે છે કે મોટા અંગીયા અને નિરોણા ખાતે અમે ૦ થી ૬ માસની ગામની દિકરીઓને દિકરી વધામણી કીટનું પણ વિતરણ કરેલું છે. ઘરની નેઈમ પ્લેટ સાથે અમે સૌના મોં મીઠા કરાવીએ છીએ ત્યારે ઘરના અને દિકરી તેમજ માતાઓના ચહેરા પરની ખુશી અનેરી હોય છે.
ઉલ્લેખનીય છે કે રાજય સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના અભિયાન ભાગરૂપે થઇ રહેલા આ કાર્યમાં કચ્છના લોકો ઉત્સાહ દેખાડી રહયા છે.