લખપત તાલુકાના પાન્ધ્રો ખાતે સરકારી ઉદ્યોગગૃહો દ્વારા “કોવિડ કેર સેન્ટર” શરૂ કરવામાં આવે તેવી ભાજપ અગ્રણી દ્વારા માંગ કરવામાં આવી
(પાન્ધ્રો તા.૨૩/૪): પ્રવર્તમાન સમયમાં કોવીડ-૧૯ નો રોગ સમગ્ર વિશ્વમાં ભરડો લઈ રહ્યો છે ત્યારે સરહદી લખપત તાલુકામાં છેવાડાની પ્રજાને આકસ્મિક સંજોગોમાં કોવીડ-૧૯ ની સારવાર મેળવવા માટે જીલ્લા મથક ભુજ સુધી અંદાજીત ૧૫૦ કી.મી. સુધી દુર આવવાની ફરજ પડે છે. તેવા સંજોગોમાં પાન્ધ્રો ખાતે સરકારી ઉદ્યોગગૃહો દ્વારા સંચાલિત હોસ્પિટલમાં આવશ્યક સાધનો સાથે કોવીડ કેર-સેન્ટર શરૂ કરવામાં આવે તથા લખપત તાલુકાની તમામ પ્રજાને આ કોવીડ કેર-સેન્ટરથી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે તે બાબતે ભાજપ અગ્રણી જયેશદાન ગઢવી દ્વારા કલેકટરશ્રી-કચ્છ સમક્ષ માંગ કરવામાં આવી છે.
શ્રી ગઢવીના જણાવ્યા અનુસાર વર્માનગર-પાન્ધ્રો ખાતે જી.એમ.ડી.સી. અને જી.એસ.ઈ.સી.એલ. સંચાલિત હોસ્પીટલમાં વિશાળ સંકુલ, જરૂરી તબીબી સાધનો અને નિષ્ણાત તબીબો અને મદદનીશોની ટીમ કાયમી ધોરણે ફરજ બજાવે છે ત્યારે સમગ્ર વિશ્વ પર આવી પડેલી આફત સમાન આ મહામારીમાં ઉદ્યોગગૃહો પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવા આગળ આવે અને માનવતાના ધોરણે છેવાડાની લખપત તાલુકાની પ્રજાનો જીવ બચાવવા કોવીડ કેર – સેન્ટરની પ્રાથમિક જરૂરિયાતના જરૂરી તમામ સાધન સુવિધાઓ સાથે કોવીડ કેર – સેન્ટર શરૂ કરે તે અત્યંત આવશ્યક છે. આ કાર્યમાં જી.એમ.ડી.સી., જી.એસ.ઈ.સી.એલ. તથા અદાણી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સી.એસ.આર.હેઠળ વાપરવાની થતી રકમનો સદઉપયોગ લખપતની પ્રજાના આરોગ્ય રક્ષણાર્થે કરે તે જરૂરી છે.
લખપત તાલુકામાં સ્થાનિકે આ પ્રકારની કોવીડ કેર-સેન્ટર ની સુવિધા ઉભી કરવાથી છેવાડા ની ગરીબ પ્રજાને તાત્કાલિક અસરથી યોગ્ય સારવાર આપી જીવ બચાવી શકાશે તથા જીલ્લાની હોસ્પિટલોમાં સારવાર માટે ઉભરાતી પ્રજા પણ સ્થાનિકે સારવાર મળતા સંક્રમણથી બચશે. તેથી ઉપરોક્ત બાબતની ગંભીરતા અને જરૂરિયાતને ધ્યાને લઇ સંબંધિત ઉદ્યોગગૃહોને તાત્કાલિક અસરથી વર્માનગર-પાન્ધ્રો ખાતે કોવીડ કેર-સેન્ટર શરૂ કરી માત્ર ઉદ્યોગગૃહોના કર્મચારીઓને જ સારવાર આપવાના નિયમોમાં ફેરફાર કરી તમામ દર્દીઓને આવશ્યક સારવાર આપવામાં આવે તે બાબતે યોગ્ય કરવા પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.