બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૨૧ માં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવા અરજીઓ મંગાવાઈ
બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવે છે કે, બોટાદ જિલ્લાની સરકારી, બિન સરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો, સી.આર.સી., બી.આર.સી., એચ.ટાટ મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, કેળવણી નિરીક્ષક, દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતી સરકારી અને બિન સરકારી અનુદાનિત સંસ્થાઓના શિક્ષકો વગેરેને સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા.૨૫/૦૬/૨૦૧૯ના ઠરાવની જોગવાઈ અનુસાર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવાનું ઠરાવવામાં આવેલ છે. તે અનુસાર ચાલુ વર્ષ ૨૦૨૧ માં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવા રસ ધરાવતા શિક્ષકો/આચાર્યનાં નામો મંગાવવા આમંત્રિત કરવામાં આવે છે. આ અંગેનો વિગતવાર પરિપત્ર શાળા/સંસ્થાઓને કરવામાં આવેલ છે. તે મુજબ રસ ધરાવતા શિક્ષકો/આચાર્યોએ અરજી કરવાની રહેશે.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આપવાના થાય છે. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવા માટે શિક્ષક પોતે, સમાજની વ્યક્તિ, વાલીઓ, શાળાના વિદ્યાર્થીઓ, આચાર્યો, શાળાના સંચાલકો, સંઘના પ્રતિનિધિઓ, શાળાના અન્ય કર્મચારીઓ, સી.આર.સી., બી.આર.સી., કેળવણી નિરીક્ષક, શિક્ષણ નિરીક્ષક, તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી, તાલીમ ભવનના અધ્યાપકશ્રીઓ વગેરે પણ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે અન્યના નામની આધારભૂત કારણો સહિત જિલ્લા કક્ષાએ ભલામણ કરી શકશે.
તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પારિતોષિક મેળવવા માટે તા.૦૭/૦૬/૨૦૨૧ સુધીમાં શિક્ષકે જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરવાની રહેશે. દરખાસ્ત કરતી વખતે શિક્ષકશ્રીએ કઈ કક્ષાના પારિતોષિક માટે દરખાસ્ત કરેલ છે? તે પોતાની ફાઈલ ઉપર સ્પષ્ટ લખી, નિયત નમૂનામાં નોર્મ્સ મુજબ દરખાસ્ત આપવાની રહેશે તેમજ દર્શાવેલ નિયત સમયમર્યાદા બાદ આવેલ દરખાસ્ત ધ્યાને લેવામાં આવશે નહિ. જેની નોંધ લેવા વધુમાં જણાવાયું છે.