કચ્છ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા સુજલકુમાર મયાત્રા


૨૫ વર્ષની યુવાન વયે આઈ.એ.એસ. બનેલા સુજલકુમાર મયાત્રાએ અત્યાર સુધીમાં અમરેલી, નર્મદા, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ફરજ બજાવી છે. કચ્છ જિલ્લાના આરોગ્ય અને શિક્ષણ સાથે સર્વાંગી વિકાસની નેમ વ્યકત કરતા કલેકટર કચ્છ જિલ્લામાં ૨૦૧૧ની બેચના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી સુજલકુમાર મયાત્રાએ આજરોજ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાંસાવડ ગામના વતની એવા સુજલકુમાર મયાત્રાએ ૨૫ વર્ષની યુવાન વયે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા. ૨૦૧૧ની બેચના આ ગુજરાતી અધિકારીએ અત્યાર સુધીમાં અમરેલીમાં રાજુલાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચુકયા છે. તેમજ જીલ્લા વિકાસ અધિકારી તરીકે નર્મદા અને દાહોદ ખાતે ફરજ બજાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર તરીકે પ્રસંશનિય સેવાઓ આપી છે. કલેકટર મયાત્રા નિરમા યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ થયા છે. તેમજ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢ પંજાબથી એમ.ફાર્મ કરેલ છે. સુજલકુમાર મયાત્રાએ કચ્છ જિલ્લાના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસ કરવાની નેમ વ્યકત કરી હતી.