અંજાર ખાતે વાણિજયીક એકમો, દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ વગેરે જેવી તમામ વ્યાપારીક ગતિવિધિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને તમામ વ્યકિતઓ માટે વિશેષ રસીકરણ કેમ્પનો રાજયમંત્રી વાસણભાઇ આહિરે શુભારંભ કરાવ્યો હતો. રાજય સરકાર દ્વારા વિવિધ વાણિજયીક સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓને તા.૩૧/૭/૨૦૨૧ સુધીમાં વેકેસીનનો પ્રથમ ડોઝ લેવો આવશ્યક બનાવાયો છે. આ તકે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવા અને નાગરિકોને સુરક્ષિત રાખવા રાજય સરકાર દ્વારા આજે રાજયમાં વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલ દુકાનો, વાણિજયીક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટ યાર્ડ વિગેરે જેવી સંસ્થાના માલિકો, સંચાલકો તેમજ કર્મચારીઓ માટે વિશેષ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અંજાર તાલુકા હેલ્થ ઓફિસ અને અંજાર ચેમ્બર ઓફ કોમર્સના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ વિશેષ કેમ્પમાં રાજયમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયને ૧૮ લાખ ડોઝ ફાળવવામાં આવ્યા છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વવાળી રાજય સરકાર રાજયમાં રોજનાં પાંચ લાખ ડોઝનાં લક્ષ્યાંક સાથે કોરાનાની ત્રીજી લહેરને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે. આ તકે યોજાયેલ આ વિશેષ રસીકરણ કેમ્પના આયોજન માટે રાજયમંત્રીએ આયોજકોને અભિનંદન પણ આપ્યા હતા અને પરિવારનાં દરેક સભ્યો રસી મૂકાવે તેવી અપીલ કરી હતી. આ વિશેષ રસીકરણ કેમ્પમાં ૧૧૦૦ વેકસીન ડોઝનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે ચેમ્બર ઓફ કોમર્સ અંજારનાં પ્રમુખ રશ્મિનભાઇ પંડયા, મંત્રી ભરતભાઇ શાહ, વસંતભાઇ કોડરાણી, ડિસ્ટ્રીબ્યુટર એશોસિએશનના પ્રમુખ કુલીનભાઇ પલણ, અગ્રણી ડેનીભાઇ શાહ, અનિલભાઇ પંડયા, મોબાઇલ એશોસિએશનના પ્રમુખ ડી.સી.ઠકકર, અંજાર મામલતદાર એ.બી.મંડોરી, બ્લોક હેલ્થ ઓફિસર ડો.રાજીવ અંજારીયા, અને અંજાર અર્બન હેલ્થ સેન્ટરના ડો અમીબેન અને તેમની ટીમ તેમજ અંજારના નાગરિકો કોરોનાની માર્ગદર્શિકા મુજબ ઉપસ્થિત રહયા હતા.