આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને ગાંધીધામ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કચ્છમાં સંવેદનાનું દિન જિલ્લા સ્તરનું આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું. જયારે અન્ય ૧૬ સ્થળોએ પણ સંવેદના દિન નિમિતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદા્ અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને ગાંધીધામ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ પંડિત દિનદયાળ કોન્યુનિટી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. રાજયમાં હાલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકાર યશસ્વી રીતે પાંચ વર્ષ પુરા થતાં સેવા યજ્ઞ રૂપે ૯ દિવસ અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે આજે સમગ્ર રાજયમાં સંવેદના દિન નિમિતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છમાં ૧૭ વિવિધ સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ૫૭ સેવાઓનો લાભ લાભાર્થીઓને એકજ સ્થળેથી મળી રહે છે.
આ તકે આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નવ દિવસ દરમ્યાન વિવિધ જનસુખાકારી અને વિકાસ કામોના આયોજન કરવામાં આવ્યા છે. જેના સમગ્ર ગુજરાતને લાભ મળશે. આ સેવા સેતુ કાર્યક્રમ થકી અનેક યોજનાઓનો લાભ ગરીબો, મધ્યમવર્ગના લોકોને કે વંચિતોને એક જગ્યાએથી મળતો થયો છે. આ પહેલ થકી ગરીબોને ધક્કા ખાવા નથી પડતા અને માનસિક ભાર પણ ઓછો પડે છે કારણ કે લગભગ એક જ દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ થઇ જાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓમાં સંવેદનશીલતા વધવી જોઇએ. ગામડાના અને ગરીબ લોકો નિતી- નિયમોથી વાકેફ નથી હોતા તેમને તો બસ યોજનાનો લાભ મેળવવાની અને વિકાસમાં ભાગીદાર બનવાની ઈચ્છા હોય છે. કાયદાની આંટી ઘૂંટીમાંથી બહાર લાવવા જો તેમની ફાઇલને લાઈફ તરીકે જોવાની દષ્ટિકોણ રાખવામાં આવશે તો તેમને યોજનાઓનો લાભ વધુને વધુ અપાઈ શકાશે.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો સર્વાગિક વિકાસ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે તે સ્વપ્નને સાકાર કરવાના માર્ગે ગુજરાત સરકાર આગળ વધી રહી છે. ઘડુલી સાંતલપુર રોડનો પણ ઉલ્લેખ કરી તેમણે ધોળાવીરા વૈશ્વિક વિરાસતનો દરજ્જો મળતા કચ્છના વિકાસને હજુ વધુ ગતી મળશે તેવો આશાવાદ રજુ કર્યો હતો. આ તકે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન તીલવાણીએ જણાવ્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમ એ સરકારનું ગરીબ અને ખરેખર જરૂરિયાતમંદ લોકો માટેનું સંવેદનશીલ પગલું છે. આ પહેલ થકી વિવિધ યોજનાઓની સહાય-સેવાનો લાભ ગરીબોને એક જ સ્થળે મળી રહે છે તથા તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ આવે છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુધ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે, આ કોઇ ઉજવણી નથી પરંતુ સરકારને ગરીબો અને નિઃસહાય લોકોને વ્હારે આવવાનો લ્હાવો છ. સરકાર દ્વારા લોકઉપયોગી અને જનસુખાકારીના અનેક કાર્ય થયા છે થઇ રહયા છે અને હજુ ઘણા કામો થશે. આ પ્રસંગે બાળ સેવા યોજનાના અને ગંગા સ્વરૂપા વિધવા પુનઃલગ્નની સહાય પણ લાભાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી કલ્પેશ કોરડીયાએ કર્યુ હતું જયારે આભારવિધિ ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંઘ ચાવડાએ કરી હતી. આ પ્રસંગે મીનાક્ષીબેન ભટૃ, જે.કે.ચાવડા, બળવંતભાઇ ઠકકર, પંકજભાઇ ઠકકર, પુનિતભાઇ દુધરેજીયા, નીલમબેન લાલવાણી, વિજયસિંહ જાડેજા, દિવ્યાબેન લાખાણી, ચંદ્રિકાબેન દાફડા તેમજ વિવિધ સેવા માટે આવેલા લાભાર્થીઓ કોરોના માર્ગદર્શિકા મુજબ ઉપસ્થિત રહયા હતા.