ભુજ ટાઉનહોલ ખાતે ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને રોજગાર દિવસનું આયોજન

ભુજ, શુક્રવાર
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસ અંતર્ગત રોજગાર દિવસનું આયોજન ભુજ ધારાસભ્યડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ, ભુજ ખાતે કરાવામાં હતું.
યુવાઓને રોજગારી પુરી પાડવામાં અને બરોજગારીનો દર ઘટાડવા માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે જે થકી ૨.૫ ટકા જેટલા ઓછા બેરોજગારીના દર સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. જે અંતર્ગત કચ્છમાં પણ રોજગારીનો દર વધ્યો છે. ઔધોગિક ક્ષેત્રે તથા સ્વરોજગારીના ક્ષેત્રે તથા પ્રવાસન ક્ષેત્રે પણ લોકોને વિવિધ રોજગારીની તકો ઉભી થઇ છે. જે અન્વયે ભુજના ટાઉનહોલ ખાતે ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યની અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ગ્રાન્ટ-ઈન-એઇડ શાળામાં શિક્ષકો, ખાનગી નોકરી માટેના ઉમેદવારો, જીપીએસસીની વર્ગ-૨ તથા વર્ગ-૩, આરોગ્ય વિભાગના ઉમેદવારો, જીએસઆરટીસીના એપ્રેન્ટીસશીપના ઉમેદવારો, આઇ.ટી.આઇ. ખાતેના સુપરવાઇઝ ઈન્સ્ટ્રકટર તથા જિલ્લા રોજગાર કચેરી, ભુજ દ્વારા આયોજિત ઓનલાઇન ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રે પસંદગી પામેલા એમ કુલ ૩૫૦ ઉમેદવારોને નિમણુંક પત્ર/રોજગાર એનાયત કરવામાં આવ્યા હતા.
આ તકે ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આપણો દેશ યુવાઓનો દેશ છે. યુવાશકિતનો દેશહિતમાં યથાર્થ ઉપયોગ કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પરંપરાને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાળવી રાખી છે. યુવાઓને રોજગારી પુરી પાડવા માટે સરકાર વિવિધ યોજનાઓ દ્વારા સતત ચિંતા કરતી રહી છે. કચ્છમાં ભૂકંપ બાદ ઉધોગો આવ્યા અને કચ્છમાં રોજગારીનો દર વધવા પામ્યો. કચ્છમાં વિશાળ ભૂમિ અનેક કુદરતી સંશાધનો છે. કચ્છમાં ઔધોગિકક્રાંતિ આવતા નોકરીની તકો તો ઉભી થઇ જ સાથે સાથે ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરવા માટે કન્ટ્રકશન, પરિવહન વગેરે જેવા ક્ષેત્રે સ્વરોજગારીનું પણ સર્જન થયું.
વધુમાં તેમણે જણાવ્યું સરકારે દરેક ક્ષેત્રમાં કચ્છ પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું છે. વિશેષ સંવેદના દાખવી છ. MSME દ્વારા કચ્છનું યુવાધન સ્વાવલંબી બન્યું છે. કોરોનાકાળમાં પણ રોજગાર સેતુ દ્વારા ઓનલાઇન રોજગાર મેળામાં યુવાનો નોંધણી કરાવી અને રોજગારી મેળવી શકયા. તથા આઈ.ટી.આઈ.ની સુવિધા મળતા કચ્છમાં ટેકનીકલ નિષ્ણાંતો ઉભા થયા.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ કચ્છમાં જે વેટરનરી કોલેજ અને કૃષિ કોલેજની જાહેરાત કરી છે તેનાથી કચ્છમાં વિશેષ રોજગારીનું સર્જન થશે. ભૂકંપબાદ કચ્છનું નવસર્જન થયું છે. કચ્છ અનેકવિધ ભૌગોલિક વિવિધતાઓ ધરાવે છે. બોકસાઈટ, લિગ્નાઇટ જેવા ખનીજ થકી કચ્છના યુવાઓને રોજગારી પ્રાપ્ત થઇ છે. કચ્છનું ભવિષ્ય પ્રવાસન, પશુપાલન અને પોર્ટના ક્ષેત્રે ખુબ ઉજળું છે તેમ જણાવી લોકોને રોજગાર કચેરીએ નામ નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો.
આ તકે અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારી મળે તે માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. બેરોજગારીનો દર ઘટાડવા માટે અને દરેકને તેમનો રોજગારીનો અધિકાર આપવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે જેમને નિમણુંક પત્રો એનાયત થનાર છે તેમના માટે આ આનંદની ઘડી છે તેમ કહી તેમણે ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઓનલાઇન માધ્યમથી જોડાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનુબંધમ એપને યુવાઓની રોજગારી માટે શરૂ કરાવી હતી.
આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા રોજગાર અધિકારી એમ.કે.પાલાએ કર્યુ હતું જયારે આભારવિધિ એમ.આર.પુરાણીએ કરી હતી.
આ પ્રસંગે ભુજ નગરપતિ ઘનશ્યામ ઠકકર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, અગ્રણી સર્વ કેશુભાઇ પટેલ, વલમજીભાઇ હુંબલ, ગોદાવરીબેન ઠકકર, શિતલભાઇ શાહ, કેશવજી જાડેજા તથા ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા શિક્ષણ અધિકારીબી.એન.પ્રજાપતિ, જિલ્લા ઉધોગ કેન્દ્રોના જનરલ મેનેજર કે.પી.ડેર તથા નિમણુંક પત્ર મેળવનાર ઉમેદવારો કોરોનાની ગાઈડલાઇન મુજબ હાજર રહયા હતા.