કોરોના હજી ગયો નથી એ દરેકે યાદ રાખવું પડશે -ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા

ભુજ, શનિવારઃ

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ ગુજરાત સરકાર ના નેજા હેઠળ જીલ્‍લા વહિવટી તંત્ર કચ્‍છ દ્રારા ‘’પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસ’’ ના ભાગ રૂપે આજરોજ “ વિકાસ દિવસ” નિમિતે ‘’આરોગ્‍ય સુખાકારી” કાર્યક્રમનું આયોજન ઓડિટોરિયમ હોલ, અદાણી મેડિકલ કોલેજ, ભુજ મધ્‍યે યોજવામાં આવ્યુ હતુ.

જિલ્લા પંચાયત પ્રમુખ મતી પારૂલબેન કારાએ રાજ્ય સરકારે અપનાવેલી પદ્ધતિ ટેસ્ટ, ટ્રેક અને અને ટ્રીટ ને અમલમાં મુકી કોરોનાને હરાવવાના પ્રયત્નોને બિરદાવ્યા હતા. આ તકે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારે આરોગ્ય સંબંધી કરેલી કામગીરી પણ જણાવી હતી તેમજ કોરોનાની બીજી લહેર દરમિયાન વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્રે કરેલી વિવિધ અસરકારક કામગીરી અને  વિગતો રજૂ કરી હતી કોરોનાની ત્રીજી લહેર માટે સરકાર સજ્જ છે.મહારસીકરણ અભિયાનની કામગીરી તેમજ આ સમય દરમયાન આશાબેહેનોએ પોતાની ફરજ સાથે કરેલી કોરોનાની કામગીરીને બીરદાવી હતી. વિવિધ આરોગ્ય યોજનાઓ દ્રારા જન આરોગ્યના કામો થયા છે  એમ પણ તેમણે વિગતે માહિતી આપતા જણાવ્યું હતું.

ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આ તકે વૈશ્વિક મહામારી કોરોનામાં દર્દીનારાયણની  સેવા કરતા આરોગ્ય કર્મીઓને બિરદાવતા જણાવ્યું હતું કે કોરોનામાં જ્યારે ઘર પરિવાર કે સમાજના લોકો પણ નજીક આવતા ડરતા હોય છે ત્યારે આરોગ્ય કર્મીઓ એવાં તબીબો, નર્સો, સફાઇકર્મીઓએ જે સેવા બજાવી છે તે પ્રસંશનીય છે. અંતિમ દોઢ વર્ષમાં રાત-દિવસ જોયા વગર નિષ્ઠાપૂર્વક કામ કરનારા આ સાચા જનનાયક છે.

 આ તકે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી આરોગ્યની કામગીરી બિરદાવવા લાયક છે જેમાં કોરોનાવોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓની સામાજિક સંસ્થાઓ અને તે સંબંધી કામગીરી સાથે સંકળાયેલા તમામ સાચા અર્થમાં સમાજ નાયક છે સમાજ તેમનો ઋણી છે. કોરોનાની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર ના આવે એ માટે આપણે સૌએ સાવચેતી રાખવાની છે. કોરોના હજી ગયો નથી એ દરેકે યાદ રાખવું પડશે એમ પણ તેમણે કહયું હતુ.

આ કાર્યક્રમ અંતગર્ત મુખ્‍ય મંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્‍ય મંત્રી નિતિનભાઇ પટેલના નેતૃત્‍વમાં સરકારનાં સફળતા પૂર્વકનાં પાંચ વર્ષ પૂર્ણ થયાનું તેમજ કોવિડ-૧૯ અંતર્ગત થયેલ સફળ કામગીરીનાં વિડિયો પ્રદર્શિત કરાયો હતો ત્‍યાર બાદ ઉપસ્‍થિત મહાનુભવો દ્રારા કોવિડ જેવી મહામારીમાં ખડે પગે રહી આ મહામારીમાં પોતાનું અમુલ્‍ય યોગદાન આપનાર એવા “કોરોના વોરિયર્સ” તેમજ કોવિડ-૧૯ ની લડાઇમાં અગત્‍યનું અંગ કોવિડ રસીકરણ અંતર્ગત ૧૦૦% રસીકરણ થયેલ ગામો માટે સરપંચનાં અમુલ્‍ય યોગદાનને ધ્‍યાને લઇ, આવા કચ્‍છનાં ગામસરપંચઓનું સન્‍માન કરવામાં આવ્યુ હતુ. આ ખાસ અવસરે આરોગ્‍યની વિવિધ જગ્‍યાઓ પર હંગામી ભરતી કરવામાં આવેલ છે, તેનાં નિમણુંક હુકમો મહાનુભવોનાં હસ્‍તે આપવામાં આવ્યા હતા.

પ્રાણવાયુ  ઓકસિજન એ કોવિડની સારવારનું અગત્‍યનું અંગ હોઇ, સંભવિત ત્રીજી લહેરનાં તૈયારીનાં ભાગ રૂપે સરકાર દ્રારા પી.એમ.કેર, અન્‍ય સરકારી ફંડ તેમજ કંપનીઓનાં સહયોગથી સીઆરએસ ફંડ હેઠળ વિવિધ હોસ્‍પીટલ મધ્‍યે પી.એસ.એ.પ્‍લાન્‍ટની ઇન્‍સ્‍ટોલેશનની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. જે પૈકી પૂર્ણ થયેલ (૧) જી.કે.જનરલ હોસ્‍પીટલ ભુજ (૨) સમરસ કોવિડ-૧૯ હોસ્‍પીટલ ભુજ (૩)સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પીટલ અંજાર (૪)કોવિડ હેલ્‍થ સેન્‍ટર લીલાશા કુટીયા આદિપુર અને (૫) કોવિડ હેલ્‍થ સેન્‍ટર કડવા પાટીદાર છાત્રાલય નખત્રાણાના ઇ-લોકાર્પણ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રારા કરાયુ હતુ.    

  આ કાર્યક્રમની  સ્વાગત વિધિ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે અને આભારવિધિ ડો.પ્રેમકુમાર કન્નરે કરી હતી.

આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી ચેરમેનશ્રી કેશુભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, નગરપાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન  કરસનજી જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન મહેન્દ્રભાઇ ગઢવી,અગ્રણી મુકેશભાઈ ચંદે, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોશિયા, શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન પટેલ, કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત તેમજ જી કે જનરલ હોસ્પિટલના તબીબો, આરોગ્યકર્મીઓ અને સન્માનીતો ઉપસ્થિત રહ્યા હતા.