ત્રિપુરાના સીએમ બિપ્લવ દેવ બાદ ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માએ પણ અટપટુ નિવેદન આપ્યું છે. મથુરામાં હિન્દી પત્રકારત્વ દિવસના એક કાર્યક્રમમાં સંબોધિત કરતા તેમને કહ્યું કે, સીતાજીનો જન્મ માટીના વાસણથી થયો હતો, એટલે કે એ સમયે પણ ટેસ્ટ ટ્યૂબથી બાળકો પેદા કરવાનો કન્સેપ્ટ હતો.
દિનેશ શર્માએ કહ્યું કે, સીતાજી પણ ટેસ્ટ ટ્યૂબ બેબી હોઇ શકે છે. તેમને કહ્યું કે, ‘રામાયણ કાળમાં માતા સીતાનો જન્મ એક માટીના વાસણ એટલે કે ઘડાથી થયો હતો, એટલે કે રામાયણના સમયમાં ટેસ્ટ ટ્યૂબ બેબી ટેકનિક હશે.’
એટલું જ નહીં, પોતાના સંબોધનમાં દિનેશ શર્માએ મહાભારત અને રામાયણ કાળની ટેકનિકની જબરદસ્ત પ્રસંશા કરી, કહ્યું નારદ ભગવાનને પહેલા પત્રકાર પણ ગણાવ્યા હતા. હિન્દી પત્રકારત્વ દિવસ પર બોલતા તેમને કહ્યું કે, પત્રકારત્વની શરૂઆત આધુનિકકાળમાં જ નથી થઇ, આ તો મહાભારત કાળથી ચાલી આવે છે. તેમને કહ્યું નારદજી હતા પહેલા પત્રકાર.
મહાભારત કાળ પર જ્ઞાન આપતા તેમને દાવો કર્યો કે ગુરુત્વાકર્ષણ શક્તિ, પ્લાસ્ટિક સર્જરી અને પરમાણુંની શોધ પણ ક્યાંક બીજે નહીં પણ ભારતમાં જ થઇ હતી. એટલું જ નહીં તેમને મહાભારત કાળની ટેકનિકની પણ પ્રસંશા કરતાં કહ્યું કે તે સમયે પણ ઉત્તમ ટેકનિક અસ્તિત્વ ધરાવતી હતી.