પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનલમાં ૧૦ ફૂટનું ગાબડું કોલીવાડા ગામ નજીક કેનાલ તુટતા ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાન..
 
                

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનલમાં વહેલી સવારે પાંચ વાગે મસમોટુ ગાબડુ પડતા નર્મદા કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું નર્મદા નિગમ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વારંવાર કેનાલમાં પડતા ગાબડાને લઇને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેને લઇને નર્મદા નિગમ સામે વિસ્તારમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
સાતલપુર તાલુકા ના કોલીવાડા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં તા.૨૯ મી ઓગસ્ટ ના સવારે પાંચ વાગે ૧૦ ફૂટનું ગાબડું પડતાં કેનાલનું પાણી બાજુમાં આવેલ નટુભાઈ મહારાજ ના ખેતરમાં ફરી વળ્યા હતા. ૧૫ વીઘાના ખેતરમાં વાવેતર કરેલા અડદના પાકમાં કેનાલનું પાણી ઘુસી જતા ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું હતું. અહી ખેતી કરતા ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોલીવાડા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ માં છેલ્લા કેટલાય વર્ષથી પાણી છોડવામાં આવે ત્યારે ગાબડા પડવાથી ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. કેનાલ ની કામગીરી થાય તે બાબતે નર્મદા નિગમના અધિકારીઓ અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નિગમ ના અધિકારીઓ દ્વારા કેનાલો ની કામગીરી બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. અને કેનાલ રીપેરીંગ બાબતનો કોન્ટ્રાકટ ધરાવતી એજન્સી દ્વારા સ્થાનિક ઇસમોને રીપેરીંગનું કામ પેટા કોન્ટ્રાક્ટર તરીકે આપવામાં આવેલું છે બેટા કોન્ટ્રાક્ટરોને કેનાલ રીપેરીંગ કરવા બાબતે વારંવાર જાણ કરવામાં આવી હતી છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું નથી જેને લઈને આજે કેનાલમાં ગાબડુ પડતા ખેતી ના પાકને નુકસાન થવા પામ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કેનાલ નજીક ખેતી કરતા ખેડૂતો જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસોએ આવી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી નીકળતી નાની-નાની કેનાલો બંધ કરી હતી.જેને લઇને આગળ પાણી જતું બંધ થતા આજે માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મોટું ગાબડું પડયું છે અને કેનાલનું હજારો લિટર પાણી વેડફાઈ ગયું છે. એક તરફ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે કોન્ટ્રાક્ટ અને અધિકારીઓની મિલીભગતને કારણે કેનાલમાં તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કેનાલોની કામગીરી બાબતે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી.
રિપોટર ભરતભાઈ સથવારા પાટણ
 
                                         
                                        