માસૂમ શિવાંશ પરથી માતાનો પડછાયો છીનવી લેનાર પિતાની અટકાયત

ગાંધીનગરના પેથાપુરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં શનિવારે માસૂમ બાળક રઝડતુ મળી આવ્યા બાદ તેના માતા-પિતાને શોધવા માટે આખી સરકાર કામે લાગી ગઈ હતી. અંદાજે 24 કલાક સુધી તપાસ ચાલ્યા બાદ અંતે પોલીસ થ્રીલર અને સસ્પેન્સથી ભરપૂર આ ઘટનાનો ભેદ ઉકેલી નાખવામાં સફળ નિવડી છે. જો કે ભેદ ઉકેલાયા બાદ જે ખુલાસો થયો છે તે અત્યંત ચોંકાવનારો છે કેમ કે આ બાળક પરથી માતાનો પડછાયો તેના પિતાએ જ છીનવી લીધો છે. ફૂલ જેવા બાળકનું નામ શિવાંશ છે જે હવે નોંધારો બની જવા પામ્યો છે. શિવાંશની માતા મહેંદી કે જે તેના પિતા સચિન સાથે લીવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી તેનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ સચિન તેને ગૌશાળામાં રઝડતો મુકી ગયો હતો. પોલીસે સચિન દીક્ષિતની રાજસ્થાનના કોટામાંથી ધરપકડ કરી છે અને આજે તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. આ ઘટનાનો ખુલાસો કરતાં ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમાએ જણાવ્યું કે ગાંધીનગર સેક્ટર-26 ગ્રીન સીટી પ્લોટ નંબર ડી-35માં રહેતો સચિન દિક્ષી ઓઝોન ઓવરસીઝની અમદાવાદની ઓફિસમાં નોકરી કરતો હતો. વર્ષ 2018માં સેનેટરી વેર્સના એક શો-રૂમમાં ખરીદી કરવા ગયો ત્યારે ત્યાં નોકરી કરતી મહેંદી પેથાણી સાથે તેની મુલાકાત થઈ હતી. બન્ને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી. સચિન પરિણીત હોવા ઉપરાંત એક બાળકનો પિતા હોવાની વાતની જાણ પણ મહેંદીને હતી. જો કે તેની પત્ની આરાધનાને તે છૂટાછેડા આપી દેશે તેમ કહેતાં બન્નેનો સંબંધ આગળ વધ્યો હતો. આ પછી મહેંદી અને સચિન લીવ ઈનમાં રહેવા લાગ્યા હતા જેનાથી 2020માં તેને શિવાંશ નામના બાળકનો જન્મ થયો હતો. સચિન અને મહેંદી બોપલમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. સચિન પાંચ દિવસ મહેંદી સાથે અને બે દિવસ પત્ની આરાધના સાથે રહેતો હતો. જો કે સચિનને એક સપ્તાહ માટે વતન રાજસ્થાન જવાનું હોવાથી તે વાતને લઈને મહેંદી સાથે તકરાર થઈ હતી જેથી તેણે મહેંદીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આ પછી લાશને બેગમાં પેક કરીને બાથરૂમમાં જ છોડી દીધી હતી. ત્યારબાદ તેણેે શિવાંશને ગાંધીનગરના પેથાપુરમાં આવેલી સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં રેઢો મુકી દીધો હતો અને પોતે રાજસ્થાનના કોટા નાસી ગયો હતો. પોલીસને આ અંગેની જાણ થતાં જ સચિનને કોટામાંથી પકડી પાડી ગાંધીનગર લાવવામાં આવ્યો હતો અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.