વિશ્વને ડરાવતો કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ કચ્છમાં દેખાયો

images-3-1

ભુજ તા. 19
સરહદી કચ્છમાં ચોમાસાની વિદાય બાદ હાલ ઋતુજન્ય બીમારીએ માથું ઊંચક્યું છે. સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં ઓક્ટોબરના માત્ર 17 દિવસોમાં તાવના 31,427 કેસ નોંધાયા હોવાનું સામે આવતાં જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરો હોય કે ગ્રામીણ વિસ્તાર મોટાભાગના લોકોને ઘરે તાવની બીમારી જોવા મળી રહી છે.દરેક ઘરમાં શંકાસ્પદ તાવના લક્ષણો જોવા મળી રહ્યા છે. કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ધબડા ગામે વિશ્વને ડરાવી રહેલા કોંગો ફીવર રોગના શંકાસ્પદ દર્દીઓ જોવા મળતાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી-કચ્છ, રાપર તાલુકા આરોગ્ય અધિકારીની ટીમ તેમજ પશુપાલનની વિભાગની ટીમ સાથે સ્થળ પર મુલાકાત લઈ જરૂરી રોગ અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે જે અંતર્ગત આખા ગામના 179 ઘરનો ટીમ મારફતે સર્વે થયો છે. સર્વે દરમ્યાન અન્ય કોઈ દર્દી શંકાસ્પદ જોવા મળ્યા નથી. શંકાસ્પદ દર્દીના ઘરની અંદર તેમજ આસપાસ ચુનો અને બ્લીચીંગ પાઉડરનો છંટકાવ કરાયો છે. પશુપાલન વિભાગ દ્વારા ગામના 87 પશુઓની ડેલ્ટામમેલ્થીન નામની ઈતરડીનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ પશુઓના વાડા અંદર તેમજ આસપાસ ઈતરડીનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ રોગ માટે જવાબદાર વાયરસ પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, ઘેટા બકરાના શરીરમાં જોવા મળે છે. જયારે આ પ્રાણીઓમાં આ રોગના કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી અને માત્ર વાહક તરીકે તેઓ કાર્ય કરે છે. આ વાયરસ પ્રાણીઓ પર રહેલી ઈતરડી મારફતે માણસમાં પ્રવેશે છે કે કયારેક આવા પ્રાણીઓના લોહી કે અન્ય પ્રવાહીથી સીધા સંપર્કમાં આવવાથી આ રોગનો ફેલાવો થતો હોય છે આ વાયરસ માણસ માટે ખૂબ જ ઘાતક સાબિત થતો હોય છે. આ રોગના શરૂઆતના લક્ષણોમાં ખૂબ જ તાવ, માથું દુ:ખવું, પેટમાં દુ:ખવું, શરીરમાં દુ:ખાવો, ઝાડા-ઉલટી વગેરે છે જ્યારે અમુક દિવસ પછી શરીરના વિવિધ ભાગો જેવા કે ચામડી, પેશાબ, મળ, યોનિમાર્ગ વગેરે મારફતે લોહી વહેવાનું ચાલુ થતું હોય છે. માટે કોઈ પણ વ્યક્તિને આવા લક્ષણો જણાય અને ભૂતકાળમાં (14 દિવસની અંદર) ઈતરડી કરડેલ હોય તો આ રોગની શંકા લઈ યોગ્ય નિદાન અને સારવાર લેવી અતિ આવશ્યક છે. આ રોગને અટકાવવા માટે સમયાંતરે ઈતરડી નાશક કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે જેવી કે પશુઓ ઉપર ઈતરડી નાશક દવાઓનો છંટકાવ કરવો, પશુઓના રહેઠાણની દીવાલો, તિરાડો, બખોલોમાં પણ દવાઓનો છંટકાવ કરવો. પશુઓની બાંધવાની જગ્યાની ચોખ્ખાઈ રાખવી તેમજ પશુઓની સંભાળ કરતી વખતે જરૂરી મોજા, ગમબૂટ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આ સાથે સંકળાયેલી વ્યક્તિએ લાંબી બાંયના તેમજ પૂરા શરીરને ઢાંકતા કપડાઓ પહેરવાં જોઈએ. આવા કોઈ શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, જિલ્લા પંચાયત કચ્છ દ્વારા જણાવાયું છે