રાજકોટમાં દિલ્હી જેવો પ્રદુષણનો પ્રશ્ન રોકવા પગલા અભ્યાસ થશે

રાજકોટ, તા. 19
દેશના તમામ મહાનગરોમાં ટ્રાફિક અને પાર્કિંગ જેવી જ સમસ્યા પ્રદુષણની પણ થતી જતી હોય, ભારત સરકાર આવા શહેરોને પ્રદુષણ રોકવાના પગલા માટે ગ્રાન્ટ ફાળવી રહી છે. રાજકોટ શહેરને પણ 15માં નાણાપંચ હેઠળ 40 કરોડની ગ્રાન્ટ મળી હોય હવા શુધ્ધિકરણના અભ્યાસ માટે એજન્સી રોકવા મહાપાલિકાએ નિર્ણય લીધો છે. આવતીકાલે બુધવારે મળનારી સ્ટે. કમીટીની મીટીંગમાં 77 લાખના ખર્ચે એજન્સીને કામ આપવા દરખાસ્ત મૂકવામાં આવી છે. દેશમાં સૌથી પ્રદુષિત શહેરોમાં દિલ્હી પણ સામેલ છે. રાજધાનીમાં તો વાહનો પણ ઓડ-ઇવન નંબર સાથે વૈકલ્પિક રીતે જ ચાલુ રાખવાની નોબત આવી હતી. આવી હાલત રાજકોટ સહિતના શહેરોની ન થાય તે માટે આ ખાસ અભ્યાસ કરાવવામાં આવશે. સ્ટે.કમીટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે નાણાપંચ હેઠળ ‘એર કવોલીટી પેરામીટર મોનીટરીંગ’ની કામગીરી માટે 40 કરોડની ગ્રાન્ટ મળી છે. જેમાંથી એર કવોલીટી મેનેજમેન્ટ માટે સંસ્થાકીય માળખાને મજબુત બનાવવા, વાયુ પ્રદુષણ બાબતે સ્ત્રોત મુજબ વિશ્ર્લેષણ, કાર્ય યોજનાઓ પર પ્રગતિ અને હવાના પ્રદુષણ અંગે વૈધાનિક માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું થાય છે. સીપીસીબીની ગાઇડલાઇન મુજબ આગામી એક થી દોઢ વર્ષમાં આ અભ્યાસ કરવો જરૂરી છે. અમદાવાદમાં આ સોર્સ એપોઇમેન્ટ સ્ટડીની કામગીરી સરકારી સંસ્થા ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીયુટ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આથી રાજકોટ મનપાએ પણ આ એજન્સી પાસે 77 લાખમાં કામ કરાવવા નિર્ણય કર્યો છે. પ0 ટકા એડવાન્સ પેમેન્ટ સહિતની શરતો આ સરકારી એજન્સી માટે માન્ય રાખીને ટેન્ડર, કરારનામા જેવી શરતોમાંથી મુકિત આપવામાં આવી છે. રાજકોટ મહાનગરનો વિસ્તાર છેલ્લા વર્ષોમાં ખુબ વધ્યો છે. 1997માં રૈયા, મવડી, મવા, 2015માં કોઠારીયા, વાવડી અને 2020માં ઘંટેશ્વર, માધાપર, મોવા મવા, મુંજકા અને મનહરપુર-1 ગામમાં રાજકોટ કોર્પો.ની હદમાં ભળ્યા છે. વસતિ અને વિસ્તાર વધતા ટ્રાફિક અને વાહનોનો પણ વધારો ખુબ થયો છે. પાર્કિગ સમસ્યા પણ ગંભીર બનતા નવી પાર્કિંગ નીતિ તૈયાર કરવામાં આવી છે. તો સાથે વાહનો સહિતના હવામાં ફેલાતા પ્રદુષણનો પ્રશ્ન પણ ગંભીર થતો જતો હોય, કલાઇમેટ ચેન્જના પડકાર વચ્ચે આ પ્રદુષણ રોકયા વગર છુટકો નથી. કારણ કે તે લોકોના આરોગ્ય સાથે પણ જોડાયેલો પ્રશ્ન છે. રાજકોટમાં ચારે પ્રવેશદ્વાર જેવા હાઇવેને જોડતા માર્ગો માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી ઉપર તો ટ્રાફિક અને ઇંધણના ધુમાડાના કારણે એર પોલ્યુશન ટોચ પર હોય છે. તો ત્રિકોણબાગ, ઢેબર રોડ, આજી ચોકડી, સોરઠીયાવાડી, 1પ0 ફુટ રોડના બે થી ત્રણ ચોક, રેલવે સ્ટેશન રોડ વગેરે પર પ્રદુષણની માત્રા વધારે રહેતી હોવાનું નોંધાયું છે. ખાસ કરીને ખુબ ટ્રાફિક અને વ્યસ્ત સિગ્નલવાળા ચોકમાં હવાનું પ્રદુષણ ઉપર રહે છે. આ સમસ્યા ભાવિ પેઢી માટે પણ પડકાર ઉભો કરે તેમ હોય, મહાપાલિકા આ દિશામાં પ્રાથમિક કામગીરી શરૂ કરી રહી છે. આ દરખાસ્ત અંગે આવતીકાલની મીટીંગમાં નિર્ણય લેવામાં આવશે.
આરોગ્ય કેન્દ્ર-રસ્તા કામ
વોર્ડ નં.15માં વર્ષો જુનુ ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્ર માટે નવું દવાખાનું બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની દરખાસ્ત પણ આવતીકાલની મીટીંગમાં મંજૂર કરાશે. વોર્ડ નં.12માં ગોંડલ રોડ ક્રિષ્ના પાર્કથી વાવડી, ટાટા શોરૂમ રોડ, ફાલ્કન પંપ રોડ, ગોપાલ હોટલ રોડ, વાવડીના રસુલપરા અને કાંગશીયાળી રોડને ડામર કામ કરવા પણ દરખાસ્ત મુકવામાં આવી છે. આ નવા વિસ્તારોમાં પાકા રોડની સુવિધા હવે મળવાની છે. કોવિડ મહામારી માટે રોકવામાં આવેલા ખાનગી એજન્સીના સ્ટાફની મુદત વધારવા અને કરેલી કામગીરી બહાલ રાખવા વધુ રૂા. બે કરોડનો ખર્ચ મંજૂર કરવા પણ કમિશ્નરને દરખાસ્ત મોકલી છે.