એજન્સી બદલાયા બાદ કંડકટરોએ ધોકો પછાડયો


રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત રાજકોટ રાજપથ કંપની હેઠળ ચાલતી સીટી બસ સેવા આજે સવારે એકાએક ખોરવી દેવામાં આવતા દેકારો બોલી ગયો હતો. બસમાં કંડકટર-ડ્રાઇવરનો મેનપાવર પૂરી પાડતી એજન્સી બદલાયા બાદ આજે એકાએક તમામ 90 બસના કંડકટરોએ એકત્ર થઇ હડતાલ પાડતા વિદ્યાર્થી સહિતનો વર્ગ હેરાન થયો હતો. ત્રણેક કલાક સુધી કોઇ રસ્તો ન નીકળતા અંતે મ્યુનિ. કમિશ્નર અમીત અરોરાએ આકરો નિર્ણય લઇને કંડકટર વગર પણ શહેરમાં બસ દોડાવવા આદેશ આપતા 11 વાગ્યાથી શહેરમાં બસો દોડતી થઇ ગઇ હતી. એજન્સી અને સ્ટાફ વચ્ચેના પ્રશ્નમાં જાહેર પરિવહન ખોરવવાનો પ્રયાસ થતા કમિશ્નર નારાજ થયા હતા અને કામે ચડયા બાદ જ વાત કરવાની સૂચના આપતા બપોરે હડતાલ પર ગયેલા કર્મચારીઓ ઢીલા પડયા છે અને મોડેથી આ મામલે રસ્તો નીકળી જશે તેવી આશા અધિકારીઓએ વ્યકત કરી છે.
મહાપાલિકામાં અગાઉ ડી.જી.નાકરાણી એજન્સી બસ કંડકટર-ડ્રાઇવર સહિતનો સ્ટાફ સપ્લાય કરતી હતી. નવા ટેન્ડર બાદ અમદાવાદની અલ્ટ્રા મોર્ડન એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. આ એજન્સી સુરતમાં પણ સેવા સંભાળે છે. તાજેતરમાં સીટી બસમાં નવા ઇલેકટ્રોનિક ટીકીટ મશીન આવ્યા હતા. પ્રથમ દિવસે જ સિસ્ટમમાં ખામી સહિતના કારણે ઘણા રૂટ કેન્સલ કરાયા હતા. છતાં દોડાદોડી થઇ હતી. આ બાદ આજથી નવી એજન્સીએ કામ સંભાળતા અમુક અગાઉ છુટા કરાયેલા સહિતના કંડકટરોએ બસના પૈડા થંભાવી દીધા હતા. આજે સવારે ત્રિકોણબાગનો કંટ્રોલ રૂમ પણ સુમસામ રહ્યો હતો. આ સહિતના જે જે વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ સવારથી સીટી બસમાં અવરજવર કરે છે ત્યાં મુસાફરો જમા થઇ ગયા હતા. ત્રિકોણબાગે પણ વિદ્યાર્થીઓ અને સવારમાં કામ પર જતા ઘણા લોકો હેરાન થયા હતા. અધિકારીઓએ બેક કલાક સુધી રસ્તો કાઢવા પ્રયાસ કર્યો હતો. અમુક કંડકટરોએ જણાવ્યું હતું કે કોઇ પણ બેદરકારી કે ભૂલ બદલ ખૂબ મોટી પેનલ્ટી વધારવામાં આવી છે. ટીકીટીંગ મશીનના ખોટકાનો દોષનો ટોપલો તેઓ પર ઢોળવામાં આવતો હોય, આ વિરોધ કરવામાં આવ્યો છે. મનપા સુત્રોએ એવું જણાવ્યું હતું કે બેદરકારી કે ગેરવર્તન બદલ ઘણા કંડકટરોને અગાઉની એજન્સીના સમયમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમને ફરી નવી એજન્સી નોકરીમાં લે તે માટે દબાણ કરાઇ રહ્યું છે. ઇલે. ટીકીટીંગ મશીન પણ પખવાડીયાથી એકટીવ થઇ ગયા છે. આથી ઘણા કર્મચારીઓએ સિન્ડીકેટ રચીને હડતાલનો ખેલ ઉભો કર્યો છે. દરમ્યાન આ મામલો કમિશ્નર સુધી પહોંચતા તુરંત એકશન આવ્યા હતા. કંડકટરો જે પણ પ્રશ્ર્ન હોય, પહેલા કામ પર ચડે તે બાદ જ ચર્ચા કરવાનો સંદેશો આપ્યો હતો. પરંતુ કંડકટરો બસમાં ચડયા ન હતા. સામે ડ્રાઇવરો કામ પર હોય અંતે કમિશ્નરે કંડકટર વગર જ બસ શરૂ કરી દેવા સૂચના આપતા શહેરમાં સીટી 11 વાગ્યા આસપાસ દોડવા લાગી હતી. બે ચાર કંડકટર બસમાં હોય, આ રૂટ પર ટીકીટ લેવાતી હતી. બાકીની બસમાં મુસાફરોને ટીકીટ ફાડયા વગર પણ સ્ટેશન પર પહોંચાડવામાં આવ્યા હતા. જયાં સુધી કંડકટરો કામે ન લાગે ત્યાં સુધી મફતમાં પણ સીટી બસ ચાલુ રખાશે, પરંતુ ગેરવાજબી માંગણી કે ગેરરસ્તે હડતાલ સામે ઝુકીને કોઇ નિર્ણય નહીં કરવા પણ કમિશ્નરે અધિકારીઓને સૂચના આપી છે. અન્ય સ્ટાફને પણ ટીકીટ કલેકશનમાં મુકવાની તૈયારી તંત્રની છે. દરમ્યાન બપોરે અઢી વાગ્યે બંને પક્ષે મીટીંગ થઇ રહી છે. મોડેથી આ હડતાલ પૂરી થઇ જશે તેવી આશા ડે.કમિશ્નર ચેતન નંદાણીએ વ્યકત કરી હતી.