ગાંધીધામ-અમૃતસર-મુન્દ્રાના તાર મળ્યા, દુબઇથી હવાલો અને થાઇલેન્ડથી ડ્રગ્સનું વિતરણ સંચાલિત થતું હતું

ગાંધીધામથી ગત વર્ષે ટ્રકમાં અમૃતસર સુધી હેરોઈન ડ્રગ્સનો જથ્થો પહોંચ્યો હોવાની તપાસ કરી રહેલી પંજાબ પોલીસની વિશેષ ટીમને જે તાર મળ્યા, તે સીધા મુંદ્રા ડ્રગ્સ મામલે સ્પર્શતા હતા. જે આધારે ત્રણ વ્યક્તિઓની તપાસ અને સંપર્કો શરૂ કરવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અફઘાનિસ્તાનથી 21 સપ્ટેમ્બરના ટેલ્કમ પાવડરમાં છુપાવીને ઈરાન મારફતે મુન્દ્રા આવેલા બંદરે પકડાયેલા 3,000 કિલો હેરોઈનમાંથી 1000 કિલો હેરોઈન પંજાબના લુધિયાણા આવવાનું હતું, જે સાહનેવાલ ડ્રાયપોર્ટ ખાતે કન્ટેનર દ્વારા લાવવાનું હતું. તો બાકીના એક એક હજાર કિલો ને અહી થી સંભવિત રીતે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા મોકલવાનું હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. આ પાછળ સુત્રધારો કોણ હતા? તેની તપાસમાં જોતરાયેલી એનઆઈએ પહેલા પંજાબ પોલીસની વિશેષ તપાસ ટીમ ત્રણ એવા નામ સુધી પહોંચી હતી જેના સંપર્કો મુંદ્રા ડ્રગ્સ સાથે સીધી રીતે જોડાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. જેમના અંગે પ્રોડક્શન રિપોર્ટ પણ અપાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. નોંધવુ રહ્યું કે જખૌમાં આવેલા ડ્રગ્સના જથ્થાને માંડવીના શખ્સના માધ્યમથી ગાંધીધામ અને અહિથી ટ્રાન્સપોર્ટરના સહયોગથી પંજાબ સુધી ડ્રગ્સ સપ્લાય કરાયાનું અમૃતસરના એક વેરહાઉસમાં પડેલા દરોડામાં ખુલ્યું હતું. જેની તપાસ પંજાબ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) કરી રહી છે, જેમાં આ ત્રણેય આરોપીઓના સંપર્કો ખુલ્યા હોવાનું બહાર આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ઉઠી છે. સૂત્રોના હવાલાથી બહાર આવતી આ વિગતો અંગે તપાસનીસ એજન્સીઓનું સત્તાવાર સમર્થન મળ્યું ન હતું.

કુખ્યાત સંધુ ગેંગની કિંગપિન અમૃતસરના સિમરન સંધુ છે
ગુજરાત ATSની રેડ કોર્નર નોટિસ બાદ ફેબ્રુઆરી 2020 માં કિંગપિંગ અમૃતસરના સિમરન સંધુને ઈટાલીમાં પકડવામાં આવ્યો હતો. તે ગુજરાત અને શ્રીનગરમાં ઉતરવા વાળી હેરોઈનને દિલ્હી અને પંજાબ પહોંચાડવાનું કામ કરતો હતો. 31 જાન્યુઆરી 2020 ના રોજ ગુજરાતમાં 305 કિલો હેરોઈન અને અમૃતસરમાં 200 કિલો હેરોઈન મામલે તપાસમાં આરોપીઓની પુછપરછમાં તેનું નામ બહાર આવ્યું હતું. ( ઇટાલીમાં ડિટેઈન છે.)

સપ્લાયર હરવિંદર ઉર્ફે રંધાવા પંજાબ પોલીસની કસ્ટડીમાં છે
હરવિંદર સિંહ ઉર્ફે રંધાવા પંજાબના બટાલાનો છે. ડ્રગ રેકેટમાં અટકાયતમાં આવ્યા બાદ થાઈલેન્ડથી ડિપોર્ટ કરાયેલો છે. હવે પંજાબ એસટીએફના રિમાન્ડ પર છે, તેનું કાર્ય શ્રીનગરથી હેરોઈન સપ્લાયની વ્યવસ્થા કરવી, ટ્રકોની ડીઝલ ટાંકીઓમાં પંજાબમાં રસાયણો મોકલીને હેરોઈનનો જથ્થો વધારવાનું અને પંજાબ, દિલ્હી, હરિયાણા નેટવર્ક દ્વારા હેરોઇનનું પરિવહન કરવાનું હતું. સપ્લાયર તરીકે ઘણા લોકોના સંપર્કમાં તે હોવાનું સંભાવનાના આધારે નવી કડીઓ ખુલે તેમ છે.( થાઇલેન્ડથી ડિપોર્ટ)

દુબઈમાં રહે છે હવાલા કિંગ અને કંટ્રોલર હકીમજાદા
આ આખી ડ્રગ ટ્રેડમાં કરોડોના રુપિયાઓને હવાલાથી કંટ્રોલ કરવાનું કામ દુબઈ સ્થિત બિઝનેસમેન હકીમઝાદા કરતો હોવાનું સુત્રો કહે છે. તે મૂળ ભારતનો છે, પરંતુ લાંબા સમયથી દુબઈમાં છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી પંજાબ સુધી ડ્રગ્સના વેપારમાં તે NIAની પણ ઘણા વોન્ટેડ લીસ્ટમાં છે. એસટીએફ તેના પર પણ નજર રાખી રહી છે. અગાઉ પણ ડ્ર્ગ્સ અને સટ્ટા બજારમાં મોટા અંશે દુબઇથી કામ થતું હોવાનું સામે આવતું રહ્યું છે. (દુબઇથી હવાલા નેટવર્ક કંટ્રોલ કરે છે)