કચ્છમાં દિવાળી પર્વે સેવાભાવી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિવિધ વસ્તુઓના વિતરણનું કાર્ય શરૂ કરાયું

દાન ધર્મની વિચારધારા સાથે કચ્છની રઘુવંશી સંસ્થાઓના વિવિધ સંગઠનો દ્વારા હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વની ઉજવણી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ રૂપી પ્રકાશ ફેલાવીને કરવાનો પ્રયાસ આદરવામાં આવ્યો છે. જેમાં ભુજ સહિત જિલ્લાના 8 જેટલા તાલુકા મથકો પર લોકો પાસેથી અને દાતાઓના સહયોગથી ઉપયોગી તેમજ બિનઉપયોગી વિવિધ વસ્તુઓનું એકત્ર કરી નવા વર્ષ પહેલાં તેના વિતરણનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં ગરીબ લોકો માટે મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ અને રોજગાર આપવાનું કામ કરતી કચ્છની રઘુવંશી યુવા શક્તિ સંઘ, રઘુવંશી મહિલા શક્તિ સંઘ અને રઘુવંશી એકતા મંચ જેવી સંસ્થાઓ દ્વારા દિવાળી પર્વના દિવસમાં અન્ય લોકોની જેમ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પણ ઉત્સાહ અને આનંદપૂર્વક નવા દિવસોની ઉજવણી કરી શકે તેવા ઉમદા હેતુસર તેમને કપડાં, મીઠાઈ અને ફટકડાનું વિતરણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ માટે જિલ્લાના વડા મથક ભુજની સાથે માંડવી, મુંન્દ્રા, અંજાર, ગાંધીધામ, આદિપુર અને ભચાઉ સહિતના સ્થળોએ સંસ્થાઓના સ્વયં સેવકો લોકો પાસેથી વસ્તુઓ મેળવવાનું કાર્ય કરી રહ્યા છે. આ વિશે સંસ્થાના પ્રદેશ પ્રમુખ વિરેનભાઈ ઠક્કરે કહ્યું હતું કે દિવાળી પર્વ એટલે હર્ષોલ્લાસ અને ખુશીઓ માણવાની સાથેસાથે ખુશીઓ વહેંચવાનો રાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર. આ પર્વે અનેક ગરીબ પરિવારો, જરૂરિયાતમંદ લોકો અને ખાસ કરીને કોરોનાકાળથી જે પ્રભાવિત થયા છે એવા લોકો સુધી સેવાભાવી લોકોના સહયોગથી વિવિધ વસ્તુઓ પહોંચાડવાનો આ એમનો એક નમ્ર પ્રયાસ છે. કોઈના ચહેરા પર એમના કારણે રોનક આવે તો એ એમના માટે એ દિપ પ્રજ્વલિત કરવા સમાન બની રહેશે. નોંધનીય છે કે સંસ્થા દ્વારા જીલ્લાના વિવિધ મુખ્ય તાલુકા મથકો અને શહેરોમાં દર ગુરુવારે શ્રમ વિસ્તારના લોકોમાં ખીચડી-કઢીનું વિતરણ પણ કરવામાં આવે છે.