મોરબી નજીક આવેલ અણીયારી ચોકડી પાસે ગતરાત્રીના વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં અંજારના પિતા-પુત્રને ઇજાઓ થવાથી હાલ સારવારમાં

મોરબી નજીક આવેલ અણીયારી ચોકડી પાસે ગતરાત્રીના વાહન અકસ્માત સર્જાયો હતો જેમાં અંજારના પિતા-પુત્રને ઇજાઓ થવાથી હાલ સારવારમાં મોરબી સિવિલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અણીયાળી ટોલનાકા પાસે ગત રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં અંજાર(કચ્છ)ના રહેવાસી પ્રવીણભાઈ આશાભાઇ ખોખર (52) અને તેમના પુત્ર પરેશ પ્રવીણભાઈ ખોખર (32) ને ઇજાઓ થતાં બંનેને સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના દીઘડિયા ગામનો અશોક પ્રેમજી કાંજીયા નામનો 21 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે સરા ગામ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત અશોક કાંજીયાને સારવારમાં અહીંની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો. વૃદ્ધા-મહીલા સારવારમાં મોરબી તાલુકાના અણિયારી ગામે પગપાળા જઈ રહેલા ડાહીબેન રેવાભાઇ ખરંગીયા નામની 54 વર્ષીય મહિલાને ગાયે હડફેટે લેતા ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા ગૌરીબેન જગદીશભાઈ ગોરધનભાઈ વરાણીયા જાતે કોળી નામની 25 વર્ષીય મહિલાને તેના દિયર તથા દેરાણી સાથે બોલાચાલી થયા બાદ ઝપાઝપીમાં ધકો લાગી જતા પડી ગયેલા ગૌરીબેનને સારવારમાં ખસેડાયા હતા. યુવાન સારવારમાં મૂળ ઉપલેટાનો અને હાલ મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક રહેતો નિશાંત માથુરભાઇ જાવીયા જાતે પટેલ નામનો 27 વર્ષીય યુવાન અજાણી દવા પી જતાં તેને સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસને જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ કરતા ખૂલ્યુ હતુ કે માથાના દુખાવાને બદલે ભૂલથી અજાણી દવા પીવાઇ જતા તેને સારવાર માટે લઇ જવાયો હતો.