નખત્રાણા પોલિસ સ્ટેશન વિસ્તાર માથી છેતરપિંડી કરવાના ઇરાદે ફરતા બે ઇસમો ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ ભુજ-કચ્છ

જગમાં બેટરી અને ટેસ્ટર વડે ટ્યુબલાઇટ ચાલુ કરી જાદુઇ ચિરાગના નામે છેતરપિંડી કરવા નિકળેલા બે શખ્સોને નખત્રાણા બેરૂ નાકા પાસેથી એલસીબીએ દબોચ્યા હતા. એલસીબીની ટીમનેે બાતમી મળી હતી કે નખત્રાણા બેરૂ નાકા પાસે બે ઇસમો જાદુઇ ચિરાગથી છેતરપિંડી કરવાની ફિરાકમાં છે. પોલીસની ટુકડી બેરૂ નાકા પાસે પહોંચી કાૈશિક અરવિંદભાઇ પટેલ (પોકાર) (રહે. જુનાવાસ, નખત્રાણા) અને કિશોર કાંતી દાતણીયા (રહે. મુળ આસબીયા હાલે રામનગરી,ભુજ)વાળાને પકડયા હતા. બંને પાસે રહેલા કાળા કલરના થેલાની ઝડતી લેતા તેમાંથી વિંછી દોરેલો જગ, છ ઇંચની લાંબી ટ્યુબલાઇટ બે, પીળા કલરનું ટેસ્ટર મળી આવ્યો હતો. આ ચીજવસ્તુઓ અંગે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા બંને ભાગી પડયા હતા અને જણાવ્યું હતું કે, આ જગને જાદુઇ ચિરામ તરીકે દર્શાવી જગની નીચેના ભાગમાં ચાર્જિંગવાળી બેટરી તથા સર્કીટ ફીટ કરી ઇલેકટ્રીક ટ્યુબલાઇટ તથા ટેસ્ટર વડે લાઇટ ચાલુ કરીને બતાવી જાદુઇ જગ હોવાના નામે પૈસા પડાવી છેતરપિંડી કરવાની ફિરાકમાં હોવાની વાત કરી હતી. નખત્રાણા પોલીસ મથકે બંને સામે ગુનો દર્જ કરાવી પોલીસે 55,700 રોકડા, જાદુઇ જગ કિંમત અેક હજાર, ટયુબલાઇટ કિંમત 50, ટેસ્ટર કિંમત 20 અને મોબાઇલ કિંમત 10 હજાર મળી કુલ 66,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો.