નેર ગામે અનુસુચિત જાતિના માણસો પર થયેલ હુમલાના વધુ 10 આરોપીને પકડી પાડતી પૂર્વ કચ્છ જિલ્લા પોલિસ


ભચાઉ તાલુકાના નેર ગામ ખાતે ગામના રામ મંદિરે દર્શન કરવા મુદ્દે 16 થી વધુ લોકોએ અનુસુચિત જાતિના પરિવારના સભ્યો ઉપર તા.26/10 ના ઘાતક હુમલો કર્યો હોવાની ઘટનાનો પડઘો ઉચ્ચ કક્ષાએ પડ્યો છે અને આ ઘટનાના આરોપીઓને તાત્કાલીક પકડવાના આદેશ છૂટ્યા છે ત્યારે પોલીસે અલગ અલગ 12 ટીમો બનાવી ગઇકાલ સુધી છ આરોપી દબોચી લીધા બાદ આજે વધુ 10 આરોપીઓને પકડી લેવાયા છે. આ બાબતે ભચાઉ વિભાગના ડીવાયએસપી કે.જી.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે , નેર ગામે અનુ.જાતિના પરિવાર ઉપર થયેલા હિચકારા હુમલા બાદ આ ઘટનાને ગંભીરતાથી લઇ જુદી જુદી 12 ટીમો બનાવી અગાઉ 6 આરોપીઓ પકડી લેવાયા હતા અને કોર્ટમાં રજુ કરી 4 દિવસના રિમાન્ડ હેઠળ ધકેલાયા હતા. આજે વધુ 10 આરોપીઓ કેશરાભાઇ સોમાભાઇ રબારી, અરજણભાઇ ભગુભાઇ રબારી, દિનેશ જયરામભાઇ મારાજ, રાજેશ રામજીભાઇ મારાજ, વેલા ભચચાભાઇ આહિર, દિનેશ રામજીભાઇ મારાજ, સવાભાઇ વાલાભાઇ કોલી, ચોડાભાઇ વાલાભાઇ કોલી, નવઘણભાઇ ગોકળભાઇ કોલી અને મોમાયા મંગાભાઇ કોલીને કોમ્બિંગ કાર્યવાહી દરમિયાન પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં નોંધવું રહ્યું કે, મંદિરમાં દર્શને જવા બાબતે થયેલા આ હુમલાની ઘટનાનો પડઘો ઉચ્ચ કક્ષાએ પડ્યો છે જેમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ ઝુકાવ્યું હતું, તો રાજ્ય સરકારે ભોગ બનનાર પરિવારના સભ્યોને 21 લાખનું વળતર ચૂકવવાના આદેશ સાથે આ ઘટનાને અંજામ આપનાર તમામ આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવા પણ આદેશ કર્યો છે.