જખૌ બંદરની બોટમાં બિછાવેલી જાળમાં જેલી ફીશ વધુ પ્રમાણમાં આવી જતા બોટ નમી ગઇ

નવા બંદરની અલવાહીદ નામની બોટ ગત 26મીએ માછીમારી કરવા માટે નિકળી હતી, રવિવારે સવારે બોટમાં સવાર માછીમારો જાળ ઉપાડતા તેમાં મોટા પ્રમાણમાં જેલી ફીસ ફસાઇ હતી, જેલીફીસના વજનના કારણે બોટ એક બાજુ નમી ગઇ હતી અને દરિયાઇ ક્રિક વિસ્તારમાં બોટે જળસમાધી લીધી હતી, જો કે બોટમાં સવાર ટંડેલ અને માછીમારોને બાજુમાં માછીમારી કરતી બોટે બચાવી લીધા હતા. જખૌ બંદરની દરિયાઇ ક્રિક વિસ્તારમાં નવા બંદરની અલવાહીદ નામની માછીમારી બોટે જળ સમાધી લીધી હતી. બોટમાં સવાર પાચેય માછીમારોને બાજુમાં માછીમારી કરતી બોટ દ્વારા બચાવી લેવાયા હતા. તા.26ના રોજ નવા બંદરથી માછીમારી કરી અને જખૌ બંદર ઉપર અલવાહીદ નામની બોટ જવા માટે નિકળી હતી. આઇ.એન.ડી. જીજે 14 એમ. એમ. 379 રજીસ્ટ્રેશન નંબરની બોટના માલિક અબ્બાસ મામદ ચડિયાત છે. બોટ કોરીક્રીકમાં માછીમારી કરી રહી હતી એમાં તા.31-10ના સવારે ટંડેલ અને માછીમારો દ્વારા પોતાની માછીમારીની જાળ ઉપાડતા જાળમાં મોટી માત્રામાં જેલીફીસ ફસાઇ જતા બોટ એક બાજુ નમી ગઇ હતી. જોત જોતામાં બોટમાં પાણી ભરાતા બોટ ડુબી ગઇ હતી. માછીમારોએ રાડા રાડ કરતા બાજુમાં અન્ય બોટએ તમામને પોતાની બોટમાં લઇ લીધા હતા. ગરીબ નવાઝ નામની બોટથી તમામ માછીમારોને જખૌ બંદર પર લઇ જવામાં આવ્યા હતા. ટંડેલ ચાૈહાણ સાદીક ઇશા તેમજ બોટના ખલાસીઓ થૈયમ હૂશેન હાજી, ચાૈહાણ મોહમદ સફી સાદીક, શેખ ઓસમાણ ઉમર, બાંભણીયા ભચુ પાલા (રહે. તમામ નવાબંદર)વાળાનો આબાદ બચાવ થઇ જતા હાશકારો થયો હતો.