દિવાળી ઉજવવા લોકોએ વતન તરફ પ્રયાણ શરૂ કર્યું, ખાનગી બસોના ભાડામાં ચાર ગણો વધારો

કોરોનાના કેસમાં ઘટાડો થતાં બે વર્ષ બાદ દિવાળીના તહેવારોની રોનક જાણે પરત ફરી છે. લોકો દિવાળીની ઉજવણી કરવા પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદથી જુનાગઢ, ભાવનગર, જામનગર, સોમનાથ જવાના ભાડામાં જબરદસ્ત વધારો થયો છે. દિવાળી અગાઉ અમદાવાદથી ખાસ કરીને સૌરાષ્ટ્ર જવાના બસના ભાડામાં ચાર ગણો વધારો નોંધાયો છે. અમદાવાદ-રાજકોટની ખાનગી બસનું ભાડું સામાન્ય દિવસોમાં રૃપિયા 500ની આસપાસ હોય છે અને તે હવે વધીને રૂપિયા 1 હજાર થઇ ગયું છે. આવી જ સ્થિતિ ભાવનગરની છે જ્યાંનું બસ ભાડું રૂપિયા 1500ની નજીક છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-ભાવનગરનું ભાડું રૂપિયા 500ની આસપાસ હોય છે. આ વખતે ટ્રેન ઓછી હોવાથી અન્ય રાજ્યોમાં જવા માટેની ખાનગી બસ માટે પણ ભારે ધસારો છે. અમદાવાદથી મુંબઇનું બસ ભાડું રૃપિયા 2200, નાસિકનું બસ ભાડું રૂપિયા 2400, ઉજ્જૈનનું બસ ભાડું રૂપિયા 1900 જ્યારે ઉદેપુરનું બસ ભાડું રૂપિયા 2 હજારને પાર થઇ ગયું છે. આ અંગે એક પ્રાઇવેટ બસ ઓપરેટરે જણાવ્યું કે, ‘ગત વર્ષે દિવાળીમાં બૂકિંગનું પ્રમાણ સાધારણ હતું અને જે લોકો વતન જવા માગતા હતા તેઓ જ વધારે હતા. છેલ્લા કેટલાક સમયથી ડીઝલમાં સતત વધારો થઇ રહ્યો છે એટલે પણ બસના ભાડામાં પણ નાછૂટકે વધારો કરવો પડયો છે. હજુ દિવાળી નજીક આવશે તેમ ખાનગી બસના ભાડામાં હજુ વધારો થાય તેમ મનાઇ રહ્યું છે. મુંબઇ, નાસિકનું ભાડું રૃપિયા ૩ હજાર સુધી પહોંચે તેની પણ સંભાવના છે. જૂનાગઢ ખાતે વતન જનારા એક મુસાફરે જણાવ્યું કે, સામાન્ય રીતે હું મારા વતન જવા માટે રૃપિયા 500ની ટિકિટ ખરીદતો હોઉં છું. જેના સ્થાને આ વખતે મારે બમણા રૂપિયા આપીને ટિકિટ ખરીદવી પડી છે. ૩૦ ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં રાજ્યભરમાં 56 હજાર 622 ટિકિટ બુક થઇ હતી. કુલ 1.15 કરોડ રૂપિયાની આવક નિગમને એક જ દિવસમાં થવા પામી હતી. તેમાંથી 17 હજાર 933 કાઉન્ટર બુકિંગ ઓફિસેથી બુક કરાવાઇ હતી. મોબાઇલ થકી 14 હજાર 286 ટિકિટ અને ઓનલાઇન 7 હજાર ટિકિટ બુક થવા પામી હતી. તેની સામે ગયા વર્ષે આ દિવસે ફક્ત 30 હજાર 953 ટિકિટ બુક થઇ હતી અને 66.42 લાખની આવક નોંધાઇ હતી. આ વર્ષે તેમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.