ભુજમાં બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરોએ ફરી એકવાર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો

જિલ્લાના આ મુખ્ય મથકે રેઢું પડ ભાળી ગયા હોય તેમ તસ્કરોએ ફરી એકવાર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. શહેરમાં અંજલિનગર વિસ્તારમાં મહેરૂન ટાઉનશિપ ખાતે રહેતા ખાનગી નોકરિયાત અબ્દુલ્લ રઝાક સીદીક લુહારના બંધ ઘરનાં તાળાં તોડી કોઇ હરામખોરો મસ્જિદના ફાળાની રકમ સહિત કુલ્લ રૂા. 37,250ની રોકડ ઉઠાવી ગયા હતા, તો બીજીબાજુ તાલુકાના સુમરાસર (શેખ) ગામે રૂા. 20 હજારની કિંમતના બળદની તસ્કરી થવાનો કિસ્સો બહાર આવ્યો છે.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ હોન્ડા કારના શો રૂમમાં નોકરી કરતા અબ્દુલ્લ રઝાક લુહારનું મહેરૂન ટાઉનશિપ સ્થિત રહેણાકનું મકાન તા. 24થી 27 દરમ્યાન તસ્કરોનું નિશાન બન્યું હતું. ચોરીના સમયે ઘરમાલિક અમદાવાદ અને તેમના પત્ની અને પુત્ર લગ્નમાં અંજાર ગયા હતા ત્યારે પાછળ આ કિસ્સો બન્યો હતો. આ ઘટનામાં બંધ મકાનનું તાળું તોડી અંદર ઘૂસેલા તસ્કરો ટી.વી.ના ડ્રોઅરમાંથી રૂા. પાંચ હજાર, શયનકક્ષના કબાટમાંથી મસ્જિના ફાળાની રકમ રૂા. ત્રીસ હજાર, પુત્ર અફાનના પાકીટમાંથી રૂા. 1150 અને પત્ની શબીનાબેનના ઘર વપરાશ માટે રખાયેલા રૂા. 1150 મળી કુલ્લ રૂા. 37,250ની રોકડ તેઓ ઉઠાવી ગયા હતા. ઘરમાલિક પરત આવ્યા ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બીજીબાજુ સુમરાસર (શેખ) ગામની સીમમાં જખુભાઇ આતુભાઇ મહેશ્વરીના રૂા. 20 હજારની કિંમતના બળદની ચોરી થવાનો કિસ્સો માધાપર પોલીસ મથકે નોંધાયો છે. આઠ વર્ષની ઉમરના ચોરી જવાયેલા બળદને કોઇ વાહન મારફતે લઇ જવાયો હોવાનું અનુમાન ફરિયાદમાં બતાવાયું છે. પોલીસે કેસની તપાસ હાથ ધરી છે.’