દિવાળી નિમિત્તે જરૂરતમંદો માટે મીઠાઇ વિતરણકાર્ય 18મા વર્ષેય અવિરત

 દિપોત્સવી તહેવારો સમાજનો છેવાડાનો, ગરીબ અને જરૂરતમંદ વ્યકિત પણ ઉજવી શકે તેવા શુભ આશય સાથે ભુજના જૈન સમાજ અને ભાજપના અગ્રણી સ્વ. નવિનભાઇ ચાંપશી લાલને શરૂ કરેલી સેવાની પ્રવૃત્તિ તેમના પુત્ર નગરસેવક ધીરેન લાલને 18મા વર્ષે પણ જારી રાખીને લાભાર્થીઓને મીઠાઇનું વિતરણ કર્યું હતું. આ કાર્ય તળે શહેરના વિવિધ વિસ્તારના લાભાર્થી આવરી લેવાયા હતા. ભુજમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને માજી નગરસેવક નવિનભાઇ લાલન દ્વારા શહેરમાં વાણિયાવાડ સ્થિત મોટા ડેલાથી જૈન સમાજ અને લાલન ગ્રુપ મોટા ફળિયાના માધ્યમથી સત્તર વર્ષ અગાઉ આ કાર્યનો આરંભ કર્યો હતો. ગત વર્ષમાં નવિનભાઇનું અવસાન થયા બાદ તેમના પુત્રએ 18મા વર્ષે આ કાર્ય જારી રાખી સેવાની જયોત જલતી રાખી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી સત્યમ સંસ્થાના માધ્યમથી જરૂરતમંદોને મીઠાઇનું વિતરણ કરાયું હતું. નગરપાલિકા અધ્યક્ષ ઘનશ્યામભાઇ ઠકકરે ઉપસ્થિત રહીને વિતરણ કર્યું હતું. આયોજક ધીરેનભાઇ ઉપરાંત પરિવારના હંસાબેન લાલન, કાજલબેન મિતલ શાહ, શિતલબેન દર્શન શાહ, મીરલ લાલન ઉપરાંત દિપક રાજા, સત્યમના દર્શક અંતાણી, જૈન અગ્રણીઓ દિનેશ શાહ, કાંતિભાઇ શાહ ઉપરાંત નીરજ સરદાર, મહેશભાઇ સાથે જોડાયા હતા. ‘