ભુજમાં ટ્રાવેલ્સના સંચાલક સાથે 3.26 લાખની ઠગાઇ

ભુજમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરના યુવક પાસેથી કારનો સોદો કરી વેચાણખતમાં સહી કરાવીને ગઠીયાને નાણા આપવાનો વાયદો કરી ગાડી કે રૂપિયા ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરૂધ ફરિયાદ નોંધાવાઇ છે. ભુજના કેમ્પ એરિયામાં રાજેન્દ્રનગરમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા અલીઅજગર કાસમ છારેચા (ઉ.વ. 30)એ બી ડિવિઝન પોલીસ મથકમાં હુશેન અહેમદ ખલીફા વિરૂધ છેતરપીંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગત 23 જુલાઇના બપોરે બે વાગ્યાના અરસામાં રેલ્વે સ્ટેશન પાસેના રોડ પર બન્યો હતો. ફરિયાદીએ પોતાની ઇકો કાર વેચવા માટે ગાડીનું લે-વેચ કરતા અને અંજલીનગર મહેરૂ ટાઉનશીપમાં રહેતા હુશેન અહેમદ ખલીફાને ગાડી લેવાની હોઇ તેમની સાથે રૂપિયા 3 લાખ 26 હજારમાં સોદો નકી કર્યો હતો. સોદો નકી થતાં હુશેનભાઇ ફરિયાદી પાસે વેચાણ ખત લખાવી તેમાં સહી લઇ ગાડીના ઓરીઝનલ આરસીબુક સહિતના કાગળો લીધા હતા. અને એક અટવાડીયામાં રૂપિયા એક લાખ આપવાની વાત કરીને ગાડી લઇ ગયા હતા. બાદમાં આરોપી હુશેન ખલીફાએ વાયદા મુજબ ફરિયાદીને ગાડીના નાણા કે, ગાડી પરત ન આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આરોપી વિરૂધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે નોંધ લઇ એએસઆઇ વાય.એન.ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે. નોંધવું રહ્યું કે,અગાઉ પણ આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે.