આદિપુર નજીક ગળપાદર સીમમાં મંદિરનાં તાળા તોડી ચોરી

આદિપુર નજીક ગળપાદરની સીમમાં આવેલા ગોકુલધામ મલયાલમનગરના મંદિરના તાળા, નકુચા તોડી નિશાચરો તેમાંથી આભુષણ અને રોકડ રકમ એમ કુલ રૂ. 38,000ની મત્તાની તસ્કરી કરી નાસી ગયા હતા. બીજીબાજુ ગાંધીધામમાં જૂના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલા માતાજીના મંદિર હરામખોરો ઘંટની તસ્કરી કરી ગયા હતા. ગળપાદરની સીમમાં ડો. પી.એસ. શાળાની પાછળ આવેલા ગોકુલધામ મલયાલમનગર સોસાયટીમાં ગત રાત્રિ દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. આદિપુરને અડીને આવેલી આ સોસાયટીના અંબેમાતાના મંદિરમાં નિશાચરોએ હાથ માર્યો હતો. ગત રાત્રે પૂજારી ખીમદાસ પ્રભુદાસ સાધુએ માતાજીની પૂજા, અર્ચના કર્યા પછી મંદિરને તાળા મારી દીધાં હતાં. સવારના અરસામાં આ પૂજારી પૂજા, આરતી કરવા જતાં મંદિરમાં તસ્કરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. આ મંદિરના બહારના દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર ઘુસ્યા હતા. અંદરના દરવાજાનો નકુચો તોડી મૂર્તિ નજીક પહોંચી ગયા હતા. માતાજીની મૂર્તિ ઉપર રહેલો ચાંદીનો હાર, દાન પેટીના તાળા તોડી તેમાંથી આશરે આઠેક હજાર રૂપિયા, મૂર્તિ ઉપરના ચાંદીના નાના-મોટા છ ઉત્તર, તિજોરીમાંથી માતાજીના કપડાં, દાનમાં આવેલા’ ચાંદીના દાગીના એમ કુલ રૂ. 38,000ની મત્તાની તસ્કરી કરી હરામખોરો નાસી ગયા હતા. મંદિરમાં થયેલી આ તસ્કરીના બનાવથી માઇ ભક્તોમાં રોષની લાગણી પ્રસરી હતી. આ જુના પોલીસ સ્ટેશનમાં વર્ષો પહેલાં એક મુસ્લિમ અધિકારીએ માતાજીનું મંદિર બનાવડાવ્યું હતું. જેમાં દરરોજ સવાર, સાંજે આરતી કરવામાં આવતી હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુરૂકુળ વિસ્તારમાં જતાં અહીં રાજ્યની ગુપ્તચર સંસ્થાનું કાર્યાલય તથા સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીઓ શરૂ કરવામાં આવી’ છે.આ કચેરીઓ સાંજે બંધ થઇ જતી હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં આ જૂના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તસ્કરો ઘુસ્યા હતા અને વચ્ચો વચ્ચ આવેલા માતાજીના મંદિરમાંથી ઘંટની તસ્કરી કરી નાસી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.