ભચાઉ તાલુકાના સામખિયાળી ડ્રાઇવર પર છરીથી હુમલો કરી 25,000 લૂંટ ચલાવી

ભચાઉ તાલુકાના સામખિયાળી પાસે ઇ.ટી. કંપની તથા એ.એસ. આર. કંપની વચ્ચે સર્વિસ રોડ ઉપર’ પગપાળા જતાં એક યુવાનને બે આરોપીઓએ રોક્યો હતો. આ લૂંટારૂઓ યુવાનને છરીથી હુમલો કરી તેની પાસેથી રોકડ રકમ તથા મોબાઇલ એમ કુલ રૂ. 25,000ની મતાની લૂંટ કરી નાસી ગયા હતા. સામખિયાળીમાં લક્ષ્મી પેટ્રોલપમ્પ પાછળ તીર્થ સોસાયટીમાં રહેતા તથા મુરલીધર હોટેલની ઉપર આવેલી રવેચી ટ્રાન્સપોર્ટમાં કામ કરનારો ગુરતેજસિંઘ બલજીતસિંઘ શેરગીલ નામનો યુવાન આ બનાવનો ભોગ બન્યો હતો. આ યુવાન ટ્રાન્સપોર્ટમાં ટ્રેઇલર નંબર જી.જે. 12-એ.ટી. 2863માં ડ્રાઇવીંગ કામ કરે છે.આ ટ્રેઇલર એ.એસ.આર. કંપનીમાં ટી.એમ. ટી. સળિયા ભરવા ગયું હતું. જેથી આ યુવાન રીક્ષામાં બેસી આ કંપનીમાં જઇ રહ્યોઁ હતો. રીક્ષામાંથી ઇ.ટી. કંપની નજીક ઉતરી આ ફરિયાદી રોડથી જઇ રહ્યો હતો. તે એ.એસ.આર. કંપનીમાં પહોંચે તે પહેલાં નંબર પ્લેટ વગરની બાઇક ઉપર સામખિયાળીનો જયેશ દયારામ મારાજ તથા જંગીનો વિનોદ રામા કોળી નામના આરોપીઓ આ યુવાન પાસે આવ્યા હતા. અને આ ફરિયાદીને મોબાઇલ આપી દેવા જણાવ્યું હતું. જેની તેણે ના પાડતાં જયેશ નામનો આરોપી બાઇકથી નીચે ઉતરી છરી કાઢી યુવાનના પેટમાં મારવા જતાં યુવાને હાથ આડો દીધો હતો. જેમાં તેની હાથની નસ કપાઇ ગઇ હતી. દરમ્યાન આ શખ્સેએ ફરિયાદી પાસેથી’ એક મોબાઇલ અને પાકિટ જેમાં રોકડા રૂ. 17,000, ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે હતું. તેની લૂંટ કરીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે ખસેડાયા તેના હાથમાં ચાળીસ ટાંકા આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. સમી સાંજે ધમધમતા માર્ગ ઉપર છરી વડે હુમલો કરી યુવાનને લૂંટી લેવાના આ બનાવથી ભારે ચકચારી પ્રસરી હતી.