નખત્રાણામાં ધાર્મિક કાર્યક્રમ અને દર્શન માટે ગયેલા બે કુટુંબના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું

નખત્રાણા, આ નગરમાં ચોરીચપાટીનો ચાળો બરકરાર રહેવા સાથે ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ જાણે આ પ્રવૃતિમાં વેગ આવ્યો હોય તે દરમ્યાન અત્રેના મણિનગર વિસ્તારમાં સાંઇ જલારામ નગર અને પારસ નગર ખાતે બે મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસના દફતરે આ કિસ્સો ચડયો નથી. સાંઇ જલારામ નગર ખાતે રહેતા પ્રકાશ પ્રેમજીભાઇ આઇયા અને તેમના પરિવારના સભ્યો તેમના દેવસ્થાન ખાતે ધાર્મિક કાર્યક્રમ હોવાથી મોથાળા ગામે ગયા હતા. જયારે પારસ નગરમાં રહેતા સ્વરૂપાસિંહ સવાઇસિંહ રાઠોડ તેમના મુળ વતન વેડહાર ગામે માતાજીના દર્શનાર્થે ગયેલા હતા. ત્યારે પાછળથી તેમને ત્યાં તાળા તોડીને આ ખાતર પડયું હતું. શ્રી આઇયાના ઘરમાંથી ચાંદીના સાંકળા અને કંદોરાની તસ્કરી થઇ હતી. જયારે શ્રી રાઠોડના મકાનમાંથી માટીની બચત પેટીમાં પડેલા રૂ. 3500 રોકડની તસ્કરી થઈ હતી. બન્ને સ્થળે હાથ મારનારા શખ્સોએ ઘરનો સામાન વેરવિખેર કરી નાખવા સહિતની હરકતોને અંજામ આપ્યો હતો. રાત્રિ દરમ્યાન ફરજમાં રહેલા ગૃહરક્ષક દળના કમાન્ડીંગ ઓફિસર નવિન સોનીને કિસ્સા વિશે જાણ થતા વહેલી સવારના અરસામાં તેમણે હોમગાર્ડ સભ્યો સાથે જાતમુલાકાત લીધી હતી. ચોરીની ઘટના વિશે હજુ વિધિવત ગુનો નોંધાવાયું નથી. તે દરમ્યાન મળતી માહિતી અનુસાર લોખંડના દસ્તા વડે મકાનોના તાળા તોડી તસ્કરીએ પ્રયાસ કર્યો હતો. પણ અવાજ થતા પડોશીઓ જાગી જતા શખ્સો પોબારા ભણી ગયા હતા. પોલીસ રાત્રિનો પહેરો વધુ મજબુત બનાવે તેવી લાગણી નગરજનોમાં પ્રવર્તી રહી છે.