ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામમાં ઓરડીમાંથી બે લાખનો દારૂ પકડાયો

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામમાં દરબારગઢ વિસ્તારમાં એક ઓરડીમાંથી એલ.સી.બી.એ રૂ. 2,13,180નો અંગ્રેજી દારૂ કબ્જે કર્યો હતો, પરંતુ બે ઈસમ પોલીસના સકંજામાં આવ્યા ન હોતા. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્થાનિક ગુનાશોધક શાખાના આ સફળ દરોડાથી દોડધામ થઇ પડી હતી. એલ.સી.બી.ની એક ટીમ રાત્રિના અરસામાં ગળપાદર પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન દરબારગઢમાં રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા ભરતસિંહ જાડેજા અને પ્રદીપસિંહ ભૂપતસિંહ જાડેજા નામના ઇસમોએ દારૂ મંગાવ્યો હોવાની પૂર્વ બાતમી આ ટીમને મળી હતી. આ બંને ઇસમોએ દારૂ મંગાવી પ્રદીપસિંહના ઘરની સામે આવેલી ઓરડીમાં તેનો સંગ્રહ કર્યો હોવાથી પોલીસ આ ઈસમના ઘર પાસે ગઇ હતી. આ ઈસમના ઘરની તલાશી લેવાતાં તે પોલીસને હાજર મળ્યો ન હતો તેમજ તેના ઘરની સામે આવેલી ઓરડી બંધ હોવાથી તેને ખોલી પોલીસ અંદર ગઇ હતી. આ ઓરડીમાંથી મેકડોવેલ્સ નંબર 1ની 750 એમ.એલ.ની 452 બોટલ તથા રોયલ ચેલેન્જ ક્લાસિક 750 એમ.એલ.ની 84 બોટલ આમ, 536 બોટલ કિંમત રૂ.2,13,180નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા આ ઇસમોને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.