ભુજ શહેરમાં બંધ ઘરના તાળાં તોડી 82 હજારની તસ્કરી

chor

ભુજ શહેરમાં નાગોર રોડ સ્થિત એરપોર્ટ રિંગરોડ પાસે મંગલમ રેસિડેન્સી ખાતે રહેતા પોલીસદળના હેડ કોન્સ્ટેબલ દામજી પ્રેમજી વાઘેલાનાં બંધ ઘરનાં તાળાં તોડી કોઇ તસ્કરોએ રૂ. 82,250ની માલમતાનો હરામખોરોએ હાથ માર્યો હતો. કાયદાના રક્ષકનું નિવાસસ્થાન બિન્ધાસ્ત તસ્કરોનું નિશાન બનતાં પોલીસ બેડું દોડધામમાં પડી ગયું છે.ભુજ ખાતે કાર્યરત પોલીસદળના સંયુક્ત પૂછતાછ કેન્દ્રમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દામજીભાઇ વાઘેલા અને તેમના પરિવારના સભ્યો સાસરિયા પક્ષમાં મરણનો પ્રસંગ બન્યો હોવાથી ગઢડા (બોટાદ) ગયા હતા. શનિવાર રાત્રિના અરસાથી ગઇકાલે સોમવારના રાત્રિના અરસા સુધી ઘરના સભ્યો પરત આવ્યા તે વચ્ચે કોઇ તસ્કરોએ આ મોટી ઘરફોડ તસ્કરીને અંજામ આપ્યો હતો. બહાર આવેલી વિગતો મુજબ પોલીસ કર્મચારીનાં બંધ ઘરના બહારના દરવાજાનું તાળું ખૂલેલું અને લટકતું જોવા મળ્યું હતું. તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડવામાં આવ્યું હતું. આ સ્થળે શખ્સ તેમનું એક ટી-શર્ટ પણ છોડી ગયા હતા. ઘરના શયનકક્ષને વેરવિખેર કરી નાખવા સાથે તસ્કરોએ ત્રણેય કબાટ ફેંદી નાખ્યા હતા અને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 82,250ની માલમતાનો હરામખોરોએ હાથ માર્યો હતો, તેવું ફરિયાદમાં લખાવાયું છે.ઘરમાલિક પોલીસ કર્મચારી દ્વારા અત્રેના બી-ડિવિઝન પોલીસ સ્ટેશને આજે વિધિવત ફરિયાદ નોંધવાઈ હતી. જેના પગલે તપાસનીશ ટુકડી સ્થાનિકે દોડી જઇને છાનબીનમાં પરોવાઇ હતી. બનાવનાં પગલે પોલીસે દોડધામ આદરી છે, પણ હજુ કોઇ સુરાગ મળ્યો ન હોવાની વિગતો જાણવા મળી હતી.