ભુજ તાલુકાના સુમરાસર શેખમાં ધોળા દિવસે ત્રણ લાખની તસ્કરી
 
                
ભુજ તાલુકાના સુમરાસર (શેખ) ગામે ધોળા દિવસે બપોરના અરસામાં મુરલીધર ટ્રેડર્સ નામની ખોળભુસાની દુકાનના તાળાં તોડીને તેમાંથી રૂ. ત્રણ લાખની રોકડ રકમની તસ્કરી થતા સનસનાટી મચી ગઇ છે. બનાવના પગલે માધાપર પોલીસ હરકતમાં આવી છાનબીન કાર્યવાહીમાં પરોવાઇ હતી.સુમરાસર (શેખ) ગામે ગ્રામ પંચાયતની પછવાડે ઢોરી તરફના જાહેર માર્ગ પાસે આવેલી હરિભાઇ કરમણ ચાડ નામની પશુઆહાર સામગ્રીની આ દુકાન બપોરના અરસામાં કોઇ અજ્ઞાત તસ્કરોનું નિશાન બની હતી. દુકાનના માલિક કામસર સ્થાનિકે હાજર ન હતા અને મહેતાજી તરીકે કામ કરતા વ્યકિત જમવા માટે દુકાન બંધ કરીને ગયા તે પછી તસ્કરીની આ ઘટના બની હતી. બહાર આવેલી વિગતો મુજબ બંધ દુકાનના શટરના તાળા તોડી અંદર ઘુસેલા કોઇ હરામખોરોએ ગલ્લામાં પડેલી રૂા. ત્રણ લાખની રોકડ રકમનો ઠંડાકલેજે હાથ માર્યો હતો અને આ પછી તેઓ સિફતથી ફરાર થઇ ગયા હતા. ઘટના વિશે પોલીસને જાણ કરતા માધાપર સ્ટેશનની ટુકડી સ્થાનિકે ધસી આવી હતી. છાનબીનમાં પરોવાયેલી તપાસકર્તા ટુકડીએ સી.સી.ટી.વી. કેમેરા સહિતનો અભ્યાસ હાથ ધર્યો છે. તો ગ્રામજનો અને આગેવાનો સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. આ લખાય છે ત્યારે સાંજના અરસામાં વિધિવત ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ રહી હોવાની વિગતો પોલીસ પાસેથી મળી હતી. દરમ્યાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતી અનુસાર તસ્કરી કરનારા તસ્કરો તેમનું એક ટેસ્ટર દુકાનમાં છોડી ગયા છે. તો બુટના નિશાન પણ જોવા મળ્યા છે.
 
                                         
                                        