નાગરવાડા વિસ્તારમાં દાગીનાની તસ્કરી, મકાન માલિક હોસ્પિટલમાં હતા ત્યારે તસ્કરો ત્રાટક્યાં
 
                
વડોદરા શહેરના નાગરવાડા નવીધરતી વિસ્તારમાં રાણા વાસ સ્થિત પ્રેરણા પોળના ઘરમાં સવાર થી બપોરના અરસામાં તસ્કરોએ તિજોરીમાંથી 30 તોલા સોનાના દાગીના અને 800 ગ્રામ ચાંદીના દાગીના મળીને 9.30 લાખની મતાની તસ્કરી કરી હતી. મકાન માલીક ઓપરેશન માટે હોસ્પિટલમાં ગયા હતા અને ઘેર કોઇ ન હતું ત્યારે ઘરમાંથી તસ્કરી થતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. કારેલીબાગ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે નાગરવાડા નવી ધરતી પ્રેરણા પોળમાં રહેતા દેવેન્દ્રભાઇ રતીલાલ રાણા સવારના અરસામાં તેમના પત્નીને લઇને ઓપરેશન માટે હોસ્પિટલમાં ગયા હતા ત્યારે સવારથી બપોરના અરસા સુધીના ગાળામાં ઘેર કોઇ હતું નહી ત્યારે તસ્કરોએ ખુલ્લા ઘરમાંથી તસ્કરી કરી હતી.તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ તિજોરીમાંથી સોનાના 30 તોલા દાગીના અને ચાંદીના 800 ગ્રામ દાગીના મળીને 9.30 લાખની મતાની તસ્કરી કરી હતી. તસ્કરોએ ભરચક વિસ્તારમાં આવેલા ઘરમાંથી લાખોની મતાની તસ્કરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંકયો હતો. ધોળા દિવસે તસ્કરી થતાં પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઇ હતી અને પોલીસ કાફલો મકાન પર પહોંચીને તપાસ આદરી હતી પણ કોઇ કડી મળી ન હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
 
                                         
                                        