ખંભાળિયા- ભાણવડ ધોરીમાર્ગ પર કારમાં દારૂની હેરાફેરી કરતા 3 ઇસમો ઝડપી પાડ્યા

ખંભાળિયા- ભાણવડ ધોરીમાર્ગ પર રાત્રીના અરસામાં એક મોટરકારમાંથી વિદેશી શરાબના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે કુલ રૂા.2.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં દારૂના સપ્લાયરની શોધખોળ આદરવામાં આવી છે. મોટા લલીયા ગામ પાસેથી રાત્રીના અરસામાં પસાર થઈ રહેલી જી.જે. 10 બી.આર. 2416ની એક સ્વિફ્ટ મોટરકારને પોલીસે અટકાવી હતી. પોલીસે કાર અટકાવતા તેમાં રહેલા ત્રણ ઇસમોએ પ્રારંભમાં તો નાસી છૂટવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે ત્રણેય ઇસમોને દરવાજા પાસે જ રોકી લીધા હતા.આ મોટરકારમાં પોલીસે ચેકિંગ કરતા કારની સીટ નીચે પ્લાસ્ટિકના બાચકામાં છુપાવીને રાખવામાં આવેલી મેકડોવેલ નંબર વન કંપનીની વિદેશી શરાબની બાર બોટલ મળી આવી હતી. આથી પોલીસ દ્વારા આ સ્થળે ઇસમોઓની પૂછતાછમાં ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા નાગાજણ ઉર્ફે નાગડો પેથા જામ નામના 43 વર્ષના ઇસમ દ્વારા શરાબની બોટલો તેણે બેહ ગામના વેજાણંદ કરસન માયાણી નામના ઈસમ પાસેથી વેચાણ અર્થે ખરીદ કર્યાનું કબૂલ્યું હતું.આ પ્રકરણમાં કારમાં જઈ રહેલા અન્ય બે ઇસમો લલીયા ગામના મશરી કરસન ચાવડા (ઉ.વ. 39) તથા લાલપરડા ગામના ગોગન જગા ભારવાડીયા નામના 36 વર્ષના ઈસમને પણ પોલીસે કારમાંથી પકડી લીધા હતા. આમ, પોલીસે રૂપિયા અઢી લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર, રૂપિયા 10 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન તથા રૂ. 4,800 હજારની કિંમતના વિદેશી શરાબ  મળી કુલ રૂપિયા 2,64,800 ના મુદ્દામાલ સાથે નાગાજણ ઉર્ફે નાગડો પેથા જામ, ગોગન જગા ભારવાડીયા અને મસરી કરશન ચાવડાની ધરપકડ કરી હતી. જ્યારે બેહ ગામના વેજાણંદ કરસન માયાણીને હાલ ફરાર ગણી તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.