રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 3 બંધ ઘરના તાળાં તોડી તસ્કરો રૂ.4.47 લાખની માલમતાની તસ્કરી

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તરખાટ મચાવતા તસ્કરોએ બામણબોર ગામે એક સાથે ત્રણ બંધ ઘરના તાળાં તોડી રૂ.4.47 લાખની માલમતાની તસ્કરી કરી ગયા છે. નવાપરા વિસ્તારમાં રહેતા અને મંદિરમાં સેવા પૂજા કરતા પરેશભાઇ અનંતરાય ઉર્ફે હકાભાઇ દૂધરેજિયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ લખાવી છે. ફરિયાદ મુજબ દાદીમાના અવસાન બાદ તેમની ધાર્મિક વિધિ વતનમાં રાખી હોવાથી તા.9ની સાંજના અરસામાં ઘર બંધ કરી વતન ગયા હતા.તા.10ની બપોરના અરસામાં પરત ઘરે આવતા પોતાના તેમજ બાજુમાં જ આવેલા પિતા અનંતરાય ઉર્ફે હકાભાઇના બંધ ઘરના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. ઘરમાં તપાસ કરતા કબાટમાં રાખેલા રૂ.3.74 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂ.40 હજાર મળી કુલ રૂ.4.14 લાખની મતાની તસ્કરી થઈ હતી. જ્યારે પિતાના ઘરમાંથી ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂ.18 હજાર મળી કુલ રૂ.28,500ની મતા ઘરમાંથી તસ્કરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એરપોર્ટ પોલીસને જાણ કરતા પીએસઆઇ વી.સી.પરમાર સહિતનો સ્ટાફ દોડી આવી કાર્યવાહી શરૂ કરી હતી. તે જ સમયે પાડોશમાં રહેતા ગુણવંતભાઇ પણ ઘરે દોડી આવી તેમના ઘરમાં પણ તસ્કરો ખાબકી રોકડા રૂ.4500 તસ્કરી કરી ગયાની ફરિયાદ કરી હતી. ગામમાં એક સાથે ત્રણ-ત્રણ ઘરમાં તસ્કરીના બનાવથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.