ફતેપુરા તાલુકાના એક બંધ ઘરના તાળા તોડી તિજોરીમાં મુકેલા સોનાના હારની ચોરી કરાઇ

ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામમાં એક બંધ ઘરને નિશાન બનાવી તાળા તોડી અંદર પ્રવેશી તીજોરીમાંથી રૂ.45,500નો સોનાનો હારની તસ્કરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. આ સંદર્ભે સુખસર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ચાંદલી ફળિયામાં રહેતા છગનભાઇ મંગળાભાઇ માલ તથા તેમના પત્ની ધર્મિષ્ઠાબેન, છોકરો રાહુલકુમાર તથા વહુ નિમીષાબેન ચારેય જણા ઘરના તાળા મારી તા.5મી ડિસેમ્બરના બપોરના અરસામાં તેમના પેન્શનના કાગળો કરવા માટે ભાવનગર ગયા હતા. કામ અર્થે ત્યાં ચાર પાંચ દિવસ રોકાયા હતા.તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી આગળના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી એક રૂમનો સરસામ વેરવિખેર કરી નાખ્યો હતો. તેમજ તીજોરીમાં મુકી રાખેલો દિકરી સોનલબેનનો 35 ગ્રામ વજનનો સોનાનો હાર જેની કિંમત 45,500 રૂપિયાની તસ્કરી કરી નાસી છૂટયા હતા. તા.10મીના રાત્રિના અરસામાં પરત ઘરે આવતાં આગળના દરવાજાને મારેલુ તાળુ તુટેલુ જોવા મળતાં ઘરમાં તપાસ કરતાં તસ્કરી થઇ હોવાનું જોવા મળ્યું હતું. આ સંદર્ભે છગનભાઇ મંગળાભાઇ માલે સુખસર પોલીસ સ્ટેશને અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.