સુરતના ભેસ્તાનમાં જવેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી રૂ.16 લાખની તસ્કરી

ભેસ્તાન ચાર રસ્તા નજીક આવેલા ચોક્સી ર્કિતીકુમાર ચંદુલાલ શાહ જવેલર્સની દુકાનમાં દાદરની બાજુની દિવાલમાં એક ફૂટનું બાકોરૂ પાડી કાઉન્ટરના ખાનામાં મુકેલા 15.25 લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના ઘરેણાં તેમજ 80 હજાર રૂપિયાની રોકડ મળી કુલ 16 લાખની મત્તાની ચોરી કરી પલાયન થયા છે.ચોરોએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે. કેમેરાનાં ડીવીઆર બાબતે પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના મધરાત્રિના અરસામાં બની છે. જવેલર્સના માલિક નિખિલ ર્કિતીકુમાર શાહે પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આજુબાજુના સીસીટીની કેમેરાના ફૂટેજ મેળવી ચોરોનું પગેરૂ શોધવા તપાસ હાથ ધરી છે. તસ્કરોએ દાદરની બાજુની દીવાલમાં એક ફૂટ બાય એક ફૂટનું દિવાલમાં બાકોરૂ પાડી તેમાંથી બે તસ્કરો રાત્રિના અરસામાં અંદર ઘૂસ્યા હતા. બે તસ્કરો દુકાનમાં ચોરી કરતા દેખાયા છે. કોઈક ગેંગે ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે.