માધાપર ગામમાં કારની ઠોકરે બાઇકચાલક પોલીસ કમિશનર કચેરીના ક્લાર્કનું મૃત્યુ

માધાપર ગામના ગેટ નજીક રોડ પર પુરપાટ ઝડપે નીકળેલી કારે બાઇકને ઠોકરે લેતા બાઇકચાલક પોલીસ કમિશનર કચેરીના સિનિયર ક્લાર્કનું મૃત્યુ થયું હતું.રાજકોટ જામનગર હાઇવે પર માધાપર ગામના ગેટ સામે રાત્રિના અરસામાં એક કાર પુરપાટ ઝડપે નીકળી હતી, બેકાબૂ બનેલી કારે ત્યાંથી પસાર થઇ રહેલા બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. કારની ઠોકરથી બાઇકચાલક દૂર સુધી ફંગોળાયા હતા અને માથામાં ગંભીર ઇજા થઈ હતા. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને જાણ કરાતા 108 દોડી ગઇ હતી, ઇજાગ્રસ્તને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલે દોડી ગઇ હતી. મૃતક પાસેથી મળી આવેલા ઓળખકાર્ડના આધારે તેમની ઓળખ થઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક જામટાવર પાસેના સરકારી ક્વાર્ટર્સમાં રહેતા અને પોલીસ કમિશનર કચેરીની રજિસ્ટ્રીશાખામાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક નરેન્દ્રસિંહ મનુભા પરમાર હોવાનું ખુલ્યું હતું. નરેન્દ્રસિંહને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, પુત્ર મુંબઇની ખાનગી કંપનીમાં નોકરી કરે છે, પુત્રીના આગામી ફેબ્રુઆરી મહિનામાં લગ્ન નક્કી થયા છે.સિનિયર ક્લાર્ક નરેન્દ્રસિંહ કોઇ કામ સબબ પોતાનું બાઇક લઇને ગયા હતા અને માધાપર ગામના ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જીવલેણ અકસ્માત સર્જી નાસી ગયેલા કારચાલકની શોધખોળ શરૂ કરી હતી.