વાવના રાછેણામાં ગોગા મહારાજના મંદિરમાં રૂ.1 લાખની મત્તાની તસ્કરી

વાવ તાલુકાના રાછેણા ગામની સીમમાં ગોગ મહારાજના મંદિરમાં અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના મળી અંદાજે એક લાખની મત્તા તસ્કરી પલાયન થઇ ગયા હતા. રાછેણા ગામની સીમમાં આવેલા ગોગા મહારાજના મંદિરમાં રાત્રિના અરસામાં કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરના દરવાજાના તાળાં તોડી અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીના મળી અંદાજે એક લાખની મત્તા તસ્કરી પલાયન થઇ જતા સવારના અરસામાં તસ્કરી અંગે ગ્રામજનોને જાણ થતાં પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તજવીજ હાથ ધરી તસ્કરોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં.ગ્રામજનોએ ફરિયાદ નોંધવાની તપાસ હાથ ધરી હતી. ચાર માસ અગાઉ આ જ મંદિરમાં અજાણ્યા તસ્કરો દ્વારા ત્રાટકી અંદાજે પાંચ લાખ ઉપરાંતની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા.આજ દિન સુધી તસ્કરીનો ભેદ ન ઉકેલાતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે જીલ્લા પોલીસવડા સત્વરે યોગ્ય પગલાં ભરી થયેલ તસ્કરીનો ભેદ ઉકેલે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.