જૂનાગઢનો ઈસમ દેશી પિસ્તોલ સાથે પકડાયો, ધોરાજી બાયપાસ ચોકડી પર ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવી હતી

જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનામાં નાસતા-ફરતો એક ઈસમને દેશી પિસ્તોલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢમાં રહેતો હસન ઉર્ફે ટકો ભટ્ટી પોતાની બાઇકની ડેકીમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ લઈ બાઇક પર જઈ રહ્યોં હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના ઇનચાર્જ પીઆઈ એચ.આઈ ભાટી, પીએસઆઇ ડી.જી બડવા, એ.ડી વાળા તેમજ વી.એન બડવા, વિક્રમભાઈ ચાવડા,જયદીપભાઈ કનેરીયા,સાહિલભાઈ સમા, દેવશીભાઈ નંદાણીયા સહિતના સ્ટાફે ધોરાજીબાયપાસ પર વોચ ગોઠવી હતી અને હસન ઉર્ફે ટકો ભટ્ટી પસાર થતા જ તેમના બાઇકને અટકાવવાનો પ્રયાસ કરાયો હતો જો કે પલાયન થવાની કોશિશ કરતો હોય જેથી પોલીસે આ ઈસમને કોર્ડન કરી ઝડપી લીધો હતો અને એક પિસ્તોલ, 2 કારટીસ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. અને બાઇક મોબાઈલ સહિત રૂ.85,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.