લીમખેડામાં કારની ટક્કરથી બાઈક ચાલકનું મૃત્યુ
 
                
દાહોદના દુધિયાવાલા શેરીમાં રહેતા અને લીમખેડા તાલુકાના દુધિયા નગરમાં વેપાર ધંધો કરતા 53 વર્ષીય કુત્બુદ્દીન સજ્જાદભાઈ દૂધિયાવાલા તેમની બાઈક ઉપર સવારના અરસામાં દાહોદ થી દુધીયા જવા માટે નીકળ્યા હતા.દરમ્યાન સવાર અરસામાં લીમખેડા વિજય હોટલ પાસે લીમખેડા નગરમાં પ્રવેશવાના બાયપાસ રસ્તા ઉપર કારના ચાલકે બાઇકને પુરઝડપે હંકારી આવી ટક્કર મારી અકસ્માત સર્જી કારચાલક તેની કાર ઘટના સ્થળે છોડી નાસી છૂટયો હતો.અકસ્માતમાં સજ્જાદભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા વ્હોરા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત સંદર્ભે મૃતકના ભાઇ કાઈદ દુધિયવાલાએ લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
 
                                         
                                        