સોનગઢ-ઉકાઈમાંથી 96 હજારના દારૂના જથ્થો સાથે 2 કાર ઝડપાઇ
 
                
સોનગઢ અને ઉકાઈ પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે બાતમીના આધારે બે કાર અટકાવી તેમાંથી રૂપિયા 96,000 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉકાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગુણસદા ત્રણ રસ્તા પાસે પોલીસે ચૂંટણીને અનુલક્ષીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.દરમિયાન રાત્રીના અરસામાં સોનગઢ તરફથી આવતી એક કાર નંબર GJ-05-JS-1905 ને અટકાવવાનો પ્રયાસ કરતાં ચાલક કાર લઈ નાસી છૂટયો હતો. આ અંગે માંડવી રોડ પર લીંબી ગામ પાસે આવેલા હિંદુસ્તાન પૂલ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવતાં રસ્તા પર બેરિકેટ મૂકી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો અને ત્યાંથી આ કાર મળી આવી હતી.તપાસ દરમિયાન આ કારમાંથી રાહુલ કૈલાસ પવાર સોનગઢ મળી આવ્યો હતો જ્યારે લક્કડકોટનો ડિકો નામનો શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી 84,000 ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી કુલ 2,84,000 ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો અને ડિકાને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજા બનાવમાં પોલીસે બાતમીના આધારે હાઇવે પર આવેલા પોખરણ ગામના પાટિયા નજીકથી એક કાર નંબર GJ-05-CJ-9879 ને અટકાવી તપાસ કરતાં તેમાંથી રૂપિયા 12,000 ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.આ અંગે કાર ચાલક કેતન જે દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી અને વિપુલ ઉર્ફે ઘોડોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
 
                                         
                                        