બાપુનગરના હીરાવાડીમાં પરમિટનો વિદેશી દારૂ વેચતા બે ઇસમો પકડાયા
 
                
બાપુનગરમાં પરમિટવાળો સહિત વિદેશી દારૂનો ધંધો કરતા બે નિવૃત્ત આર્મી જવાનની બાપુનગર પોલીસે અટક કરી હતી. પોલીસે ઇસમોના ઘરમાંથી પરમિટવાળી 10 વિદેશી દારૂની બોટલો સહિત કુલ 110 બોટલો જપ્ત કરી હતી. બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, હીરાવાડી રોડ પર આવેલા શિલ્પ રેસીડેન્સીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન અચલારામ ચૌધરીના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. આ બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને અચલારામના ઘરમાં લાકડાની ટીપોઇમાં ચાર ખાનામાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દરડો પાડ્યો ત્યારે અચલારામ અને તેનો નિવૃત્ત આર્મી જવાન પ્રહલાદ પરમાર હાજર હતાં. પોલીસે ઘરમાંથી કુલ 113 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. તેમજ 4 બિયરના ટીન મળી આવ્યા હતાં.પોલીસે બન્ને નિવૃત્ત આર્મી જવાનની પૂછપરછ કરતા અચલારામને 6 પરમિટ પર બોટલ મળતી હતી. જયારે પ્રહલાદને 4 બોટલ પરમિટ પર મળતી હતી. પ્રહલાદ સરદારનગરમાંથી રાજેશ પાસેથી વિદેશી દારૂ લાવીને અચલારામના ઘરે મુકતો હતો. પોલીસે બન્ને અટક કરીને વધુ તજવીજ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇસમો દારૂ ઘરે લાવી છૂટકમાં ગ્રાહકોને વેચતા હતા. તેમના ઘરમાંથી પોલીસને 110 બોટલ પણ મળી હતી.
 
                                         
                                        