પેટલાદ તાલુકાના બાંધણી પાસે અજાણ્યા વાહનની અડફેટે સાઈકલ સવારનું મૃત્યુ

પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી પાસે સાંજના અરસામાં સાઈકલ લઈને ખેતરમાં જઈ રહેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું મૃત્યુ થયું હતું. પેટલાદ તાલુકાના બાંધણી ગામ સ્થિત જેડવાપુરામાં 40 વર્ષીય ધીરૂભાઈ બચુભાઈ સોલંકી રહે છે. તેઓ ખેતીકામ કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે.સાંજના અરસામાં તેઓ પાડોશીની સાઈકલ લઈને બાંધણી ચોકડી થઈને પોતાના ખેતરમાં જવા નીકળ્યા હતા. દરમિયાન, તેઓ બાંધણી ચોકડીથી થોડે આગળ પીડબલ્યુડી પાસે પહોંચ્યા ત્યારે એ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવેલા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેને પગલે તેઓ રોડ પર પટકાયા હતા અને તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.આ મામલે તેમને હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. બનાવને પગલે પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકના ભાઈ રાજેશભાઈ સોલંકીએ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળના પ્રયાસ હાથ ધર્યા છે.