વાગડના કલ્યાણપરમાં તસ્કરોનો ઉપાડો : ચાર ઘર નિશાન બન્યા

રાપરનગરની પડખે આવેલા કલ્યાણપર ગામે તીવ્ર ઠંડીનો લાભ ઉઠાવતા હોય તેમ તસ્કરોએ ધોળા દિવસે ચાર ઘરોને નિશાન બનાવતાં ગામ લોકોમાં આક્રોશ ફેલાયો છે. મુંબઇ સ્થિત અગ્રણી ભચુભાઇ રાવરિયાએ કહ્યું કે, મારા ઘરમાં તસ્કરી થઇ છે પણ ઘરમાં કોઇ જોખમ ન હોવાથી ખાસ ચોર ફાવ્યા નથી, અન્ય બે ઘરોમાં પણ તસ્કરી થઇ હોવાનું જાણવા મળ્યું છે. કલ્યાણપરના સરપંચ તથા યુવા અગ્રણી કાનજીભાઇ ચામરિયાએ રાપર પોલીસ સ્ટેશને વિધિવત ફરીયાદ નોંધાવવા માટે ગતિવિધિ હાથ ધરી હતી. પરંતુ ચોરીના પ્રયાસવાળા ઘરો મુંબઇગરાના હોવાથી ફરિયાદમાં સમય લાગે તેવી શક્યતા છે. આ રીતે તસ્કરીનો ઉપદ્રવ વધતાં ગ્રામજનો તેમજ મુંબઇ સ્થિત આગેવાનોમાં કચવાટ ફેલાયો છે.