નડિયાદ તાલુકાના કણજરી રાવળ વાસમાં જુના ઝઘડાની અદાવતે લોખંડની પાઇપ વડે હુમલો

નડિયાદ તાલુકાના કણજરી રાવળ વાસમાં રહેતા નિલેષભાઈ ઉર્ફે જીતુ સીતારામ રાવળ ઉ.40 રાત્રિના અરસામાં મજૂરી કામ પતાવી ઘરે પરત જતો હતો, ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા ચેતન ગીરીશ રાવળ, મહેન્દ્ર ગીરીશ રાવળ, હિતેશ ગીરીશ રાવળ અને ગીરીશભાઈ ડાહ્યાભાઈ રાવળે તેને રોક્યો હતો. ચેતને તેને કહેલ કે તને ચરબી છે, તારે ઝઘડવું છે. તેમ કહી માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ વખતે મહેન્દ્ર, હિતેશ અને ગીરીશભાઇ પણ ત્યાં દોડી આવ્યા હતા. અને ચારેય શખ્સો એ ભેગા મળી લોખંડની પાઇપ અને હથિયારોથી નિલેષને માર મારવાનું શરૂ કરી દીધું હતું.જેના કારણે નિલેષને ગંભીર ઇજાઓ થઈ હતી. આસપાસમાંથી એકત્ર થઇ ગયેલ લોકોએ તેને વધુ મારમાંથી છોડાવ્યો હતો, અને કોઈએ 108ને ફોન કરી દેતા એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. દરમિયાન નિલેશભાઈને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ચકલાસી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.