કિડાણા-શિણાય વચ્ચે બે મહિલા દારૂ સાથે ઝડપાઇ

ગાંધીધામ તાલુકાના કિડાણાથી શિણાય જતા કાચા માર્ગ પર એકટીવા પર સવાર બે મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી. આ મહિલાઓ પાસેથી રૂ.8500નો 10 બોટલ દારૂ કબ્જે કરાયો હતો. કિડાણા બાજુ બપોરના અરસામાં સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી. તેવામાં એક એકટીવા ઉપર આવતી બે મહિલાઓ પાસે દારૂ હોવાની પૂર્વબાતમી પોલીસને મળી હતી. જેથી સમરશાપીરની દરગાહ પાસે કિડાણાથી શિણાય જતા કાચા માર્ગે પોલીસે વોચ ગોઠવી હતી. શિણાય બાજુથી એકટીવા નંબર જી.જે. 12 ડીએફ 6659 પર સવારના અરસામાં બે મહિલા આવતી જણાતાં તેમને રોકાવાઇ હતી આગળ પડેલી પેટીમાં જોવાતા તેમાં બોટલો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પુનિત નગર કિડાણામાં રહેનારી સંગીતાબેન આનંદ ગેહલોત તથા ભારતીબેન કસ્તુર ચંદ ધવલની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલાઓ પાસેથી બ્લેન્ડર પ્રાઇડની 10 બોટલ કિંમત રૂ.8,500 નો દારૂ કબ્જે કરાયો હતો. આ દારૂ કયાંથી આવ્યો હતો તે હજુ બહાર આવ્યું નથી.