વડોદરા શહેર અને જિલ્લામાં 3 સ્થળોએ તસ્કરો ત્રાટક્યા, 8 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલની તસ્કરી

વડોદરા જિલ્લાના કરજણ અસરફનગર પ્લોટમાં રહેતા ઈમ્તિયાઝભાઈ યાકુબભાઇ પટેલ શાકબાજીનો વેપાર કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઈમ્તિયાઝભાઈને ત્યાં જન્મેલા નવજાત બાળકને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેનું જન્મના 15 દિવસ પછી અવસાન નીપજ્યું હતું. જેથી તેની અંતિમક્રિયા પૂર્ણ પુરી કરી ઈમ્તિયાઝભાઈ છોટાઉદેપુર સાસરીમાં ગયા હતા.દરમિયાન, તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બેડરૂમની તિજોરીમાંથી રોકડ રૂપિયા 80,000 અને સોના ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 5.15 લાખની મતાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ઈમ્તિયાઝભાઈએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલાં અસરફનગરમાં જ રહેતા વેપારીની ઘરમાં બનાવેલી ઓફિસમાંથી રૂપિયા 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલની તસ્કરી કરી ગયા હતા.જ્યારે શહેરના ગોરવા કરોડિયા રોડ ઉપર શિવાય બંગ્લોઝમાં રહેતા જયકુમાર લવિંદરભાઈ ઠાકર ટ્રાવેલ્સનો ધંધો કરે છે. 18 ડિસેમ્બરના રાત્રિના અરસામાં તેઓ જમીને પત્ની અને બાળકો સાથે પ્રથમ માળે સુવા ગયા હતા. દરમિયાન, તસ્કરોએ નીચેના માળને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી નીચેના માળે આવેલ બેડ રૂમમાં મુકેલી તિજોરીમાંથી રોકડ રૂપિયા 15,000 અને સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 1.65 લાખની મતાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે જયકુમાર ઠાકોરે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.