ખેરાલુમાં પેટ્રોલપંપના તાળાં તોડી 47હજારની તસ્કરી, સિપોરના પાંચ બંધ મકાનના તાળાં તૂટ્યાં

ખેરાલુના એક પટ્રોલપંપના તાળાં તોડી તસ્કરો અંદરની તિજોરીમાંથી 47000ની રોકડ સાથે 15 હજારનું ડીવીઆર તસ્કરી કરી લઇ જતાં અહીંના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે. જ્યારે વડનગરના સિપોરમાં તસ્કરોએ 4 દિવસ અગાઉ એક આંગણવાડીમાંથી ૧૧ હજારનું એલઇડી તસ્કરી કર્યા બાદ તે વધુ પ બંધ મકાનોના તાળાં તોડી તસ્કરીનો પ્રયાસ કરતાં ફફડી ઉઠેલા સિપોરના ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગણી કરી છે.ખેરાલુ શહેરનામાં પટ્રોલપંપ ઉપર ત્રાટકેલી તસ્કર ટોળકીએ પેટ્રોલપંપની ઓફિસના તાળાં તોડી અંદરની તિજોરી તોડી રૂપિયા ૪૭પ૦૦ ની રોકડની તસ્કરી કરી હતી. જોકે પંપ ઉપર ચારે બાજુ સીસીટીવી કેમેરા લાગેલા હોવાથી તસ્કરોએ પકડાઇ જવાની બીકે સીસીટીવી કેમેરાનું રૂપિયા ૧પ,૦૦૦નું ડીવીઆર પણ તસ્કરી કરી જતાં પંપના માલિક ભાવિનભાઇ પ્રેમજીભાઇ દેસાઇએ ખેરાલુ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે. બીજી તરફ તસ્કરોએ વડનગરના સિપોરમાં તરખાટ મચાવ્યો છે.સિપોરના ગઢી વિસ્તારમાં આંગવાડી કેન્દ્ર નંબર બેના તાળાં તોડી ચાર દિવસ અગાઉ અંદરથી રૂ.11 હજારની કીંમતનું એલઇડી તસ્કરી કરી જતાં આંગણવાડી કાર્યકરે વડનગર પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ કરી હતી. તસ્કરોએ સિપોરમાં વધુ પાંચ બંધ મકાનોના તાળાં તોડી તસ્કરીનો પ્રયાસ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ પ્રસરી રહ્યો છે. બંધ મકાનના માલિકોએ આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ આપેલ નથી. સરપંચ રઇબેન હુરસંગજી ડાભીએ વડનગર પોલીસને લેખિત રજૂઆત કરી છે અને ગામમાં તસ્કરી જેવા બનાવો વધી રહ્યાં હોવાથી 10 વર્ષથી બંધ પોલીસ ચોકી પર પોલીસ પોઇન્ટ મૂકવા રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ વધારવા માંગણી કરી છે.